Site icon ચક્રવાતNews

રણજીતગઢ ડી-19 માઈનોર કેનાલને ખેડૂતો જાતે સાફ કરવા બન્યા મજબૂર

પાંચ ગામના ખેડૂતોએ ત્રણ દિવસની મહેનતથી 5 નાલા અને કેનાલની કરી સફાઈ

હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાં વિવિધ ગામોમાં સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેથી દેવું કરીને વવેતર કરેલો પાક મુરઝાઈ જાય છે. ત્યારે આજે રણજીતગઢ, મયુરનગર, રાયસંગપુર, ચાડધ્રા સહિતના ગામના ખેડૂતો રણજીતગઢ ડી-19 માઈનોર કેનલમાં જાતે ઉતરી અને સાફ સફાઈ કરવા લાગ્યા છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે તંત્રને અવાર નવાર સાફ સફાઈ અંગે રજૂઆત કરવા છતાં પણ ધ્યાનમાં લેતું નથી અને માત્ર કાગળો પર જ સાફ સફાઈ બતાવી ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ લગાવ્યો હતો.

રણજીતગઢની સીમમાં ખેડૂતોએ જાતે કેનાલમાં ઉતરી અને સફાઈ અભિયાન હાથ ધર્યું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી પાચથી વધુ ગામના ખેડૂતો કેનાલમાં ઉતરી પાચ નાલાની સફાઈ કરી છે અને પાચસોથી વધુ ફુટ કેનાલની સફાઈ કરી છે. અને ત્રણ ટ્રેક્ટરની ટ્રોલી જેટલો કચરો બહાર કાઢ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વધુમાં ખેડૂતોના જણાવ્યા મુજબ રણજીતગઢ, મયુરનગર, રાયસંગપુર, ચાડધ્રા, અમરાપર, મીયાણી, માયાપુર, અજીતગઢ સહિતના વિસ્તારોની આશરે 10 હજાર હેક્ટરથી વધારે જમીનમાં પિયત થાય છે. અને આ પાણી છેવાડાના ખેડૂતો સુધી નહીં પહોંચતા તેમનો ઉગીને ઉભો થયેલો પાક મુરઝાવાની સ્થિતિએ પહોંચ્યો છે. ત્યારે ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી અને કેનાલમાંથી લીલ(શેવાળ) કાઢી રહ્યાં છે. જોકે કેનાલની સાફ સફાઈ માટે જવાબદાર તંત્રને અવાર નવાર રજૂઆત કરી છે. પરંતુ જવાબદાર તંત્ર માત્ર કાગળો પર જ કેનાલની સફાઈ કરી સંતોષ માની લેતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો અને ખેડૂતો અધિકારીઓને રજૂઆત કરતા એકબીજાને ખો આપી મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે.

Exit mobile version