Site icon ચક્રવાતNews

મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્કની પરીક્ષાની વ્યવસ્થા સંદર્ભે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા

મોરબી: સમગ્ર રાજ્યમાં યોજાનાર જુનિયર ક્લાર્ક ( વહીવટી/હિસાબી) પરીક્ષામાં યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત રાજ્ય મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

સરકાર દ્વારા પરીક્ષા બાબતે ખૂબ કડક કાયદો બનાવવામાં આવ્યો છે અને તેને અનુરૂપ કોઈ પણ પ્રતિકૂળ સંજોગો ઊભા ન થાય તે માટે આ કાયદાની કડક રીતે અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ દ્વારા સાહિત્યની વહેંચણી, કેન્દ્ર નિયામક, સુપરવાઈઝર, વર્ગખંડ ઓબઝર્વર તથા ઉમેદવારોને ધ્યાનમાં રાખવાની તમામ બાબતોની માહિતી આપવામાં આવી હતી. પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન તથા પરીક્ષા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો, તમામ ઉમેદવારોના ફિઝિકલ ફ્રિસ્કીંગ વગેરે બાબતો અંગે જિલ્લાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર કેન્દ્ર નિયામક, સુપરવાઈઝર, વર્ગખંડ ઓબઝર્વર સહિતના તમામ મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહિ. કોમ્યુનિકેશન માટે ફકત લેન્ડલાઈન નંબરનો ઉપયોગ કરવો, પેપર બોક્સ ખોલવા, દિવ્યાંગ ઉમેદવારો માટેની વ્યવસ્થા વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં મોરબી ખાતે ૩૦, ટંકારા ખાતે ૧૨, હળવદ ખાતે ૧૩ તથા વાંકાનેર ખાતે ૧૩ મળી કુલ ૬૮ કેન્દ્રો ખાતે ૦૯/૦૪/૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્ક(વહીવટી/હિસાબી)ની પરીક્ષા યોજાનાર છે. આ તમામ કેન્દ્રો ખાતે ચુસ્ત સી.સી.ટી.વી.ની મોનિટરીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા બાદ પણ સીસીટીવી વ્યુનું અધિકારીઓ દ્વારા તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોને ઓળખકાર્ડ, કોલ લેટર, ફોટો તથા પેન (બ્લુ અને બ્લેક) સિવાય કોઈ પણ વસ્તુ લઈ જવાની સખ્ત મનાઈ છે. સાદી કાંડા ઘડિયાળ માન્ય છે બાકી કોઈ પણ ઈલેક્ટ્રીક કે અન્ય સામગ્રી લઈ જઈ શકાશે નહીં. પરીક્ષા અંગેના સરકારના નવા અને કડક કાયદાની ચુસ્ત અમલવારી મોરબી જિલ્લામાં કરવામાં આવનાર છે. જિલ્લામાં આ પરીક્ષા અન્વયે ૦૨૮૨૨-૨૯૯૯૧૦૦ હેલ્પ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

આ વીડિયો કોન્ફરન્સમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, નાયબ કલેક્ટર ડી.સી.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક ગોસ્વામી, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબાલીયા વગેરે જોડાયા હતા.

Exit mobile version