Site icon ચક્રવાતNews

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પુર્ણ, હાઇકોર્ટના આદેશ બાદ પરિણામ અનામત

બેંક પ્રતિનિધિ બાબતે હાઇકોર્ટના ચુકાદા પર મતદાન કામગીરી પુર્ણ કરી મતપેટી સીલ કરાઈ, કોર્ટના આદેશ બાદ મતગણતરી કરાશે.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે ચૂંટાયેલ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના પ્રતિનિધિની ઠરાવ બાબતે મામલો હાઈકોર્ટમાં હોવાના કારણે પરિણામ અનામત રાખવામાં આવ્યું છે, જેથી મતદાન પેટીને સીલ મારી હાઇકોર્ટના ચુકાદા બાદ મતગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 12 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે બાકી 6 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સરકારી બેંકના પ્રતિનિધિનો મત મહત્વનો બની ગયો હતો, જેમાં બેંક પ્રતિનિધિના જુના અને નવા ઠરાવ બાબતે મામલો હાઈકોર્ટમાં પહોંચતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના પરિણામને અનામત રાખવામાં નિર્ણય લેવાયો છે.

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે હરદેવસિંહ દિલાવરસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી કરેલ, જ્યારે સામાપક્ષે ભાજપ તરફથી પ્રમુખ તરીકે જયેશભાઇ છગનભાઇ વસીયાણી અને ઉપપ્રમુખ તરીકે ઈસ્માઈલભાઈ મામદ પરાસરાએ ઉમેદવારી કરી હતી.હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટ દ્વારા બેંક પ્રતિનિધિના મત બાબતે શું નિર્ણય લેવાય છે, જેના આધારે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે, હાલ આ કેસ બાબતે હાઈકોર્ટમાં 18/04 ના રોજ મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Exit mobile version