Site icon ચક્રવાતNews

હળવદની ગોઝારી ઘટનાની જાતમાહિતી મેળવવા મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો રદ કરી ઘટનાસ્થળે પહોંચ્યા

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી

હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના કરુણ મોત થયા છે જયારે 30 જેટલા શ્રમિકો દટાય ગયા હતા જેથી JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને જાત માહિતી મેળવવા ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે. આ સાથે મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાશનાથન અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ આવ્યા છે. હાલમાં ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિતના પણ ઘટનાસ્થળે દોડી ગયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂ. 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારજનોને રૂ. 2-2 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને વડાપ્રધાને ઈજાગ્રસ્ત શ્રમિકોના પરિવારને રૂ. 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ દુર્ઘટનામાં 12 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે જેમાં રમેશભાઇ મેઘાભાઇ કોળી (ઉંમર-42 વર્ષ), દિલીપભાઇ રમેશભાઇ કોળી (ઉંમર-26 વર્ષ), શ્યામ રમેશભાઇ કોળી (ઉંમર-13 વર્ષ), દક્ષા રમેશભાઇ કોળી (ઉંમર-15 વર્ષ), શીતલબેન દિલીપભાઇ કોળી (ઉંમર-24 વર્ષ), દિપક દીલીપભાઇ કોળી (ઉંમર-03 વર્ષ), ડાયાભાઇ નાગજીભાઇ ભરવાડ (ઉંમર-42 વર્ષ), દેવીબેન ડાયાભાઇ ભરવાડ (ઉંમર-15 વર્ષ), રાજીબેન ડાયાભાઇ ભરવાડ (ઉંમર-41વર્ષ), રમેશભાઈ નરશીભાઈ પીરાણા (ઉંમર-51 વર્ષ), કાજલબેન રમેશભાઈ પીરાણા (ઉંમર-20 વર્ષ) અને રાજેશભાઈ જેરામભાઈ મકવાણા (ઉંમર-39 વર્ષ) નો સમાવેશ થાય છે.

અસંખ્ય મજૂરો જમવા ગયા હતા, નહીં તો….!

મળતી માહિતી મુજબ, દિવાલ નજીક મીઠાનો સટો લગાવવામાં આવ્યો હતો જેના લીધે દબાણ આવતા દિવાલ તૂટી પડી હતી. આ દરમિયાન દીવાલની બાજુમાં પેકિંગનું કામ કરતા શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે, બપોરના સમયે જમવાનો સમય હોવાથી અસંખ્ય મજૂરો જમવા માટે ગયા હતાં નહીં તો અનેક શ્રમિકોનાં જીવ ગયા હોત.

Exit mobile version