સમગ્ર રાજ્યમાં આવાસ યોજના અંતર્ગત ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લાના તાલુકાઓમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના વતની ગીતાબેન છગનભાઈ ચૌહાણને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગીતાબેન ચૌહાણ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. આવાસ યોજનાના લાભ તથા અન્ય સરકારી લાભો મેળવવા કોઈ મુશ્કેલી તો નથી પડી ને? તેમજ પરિવારના સભ્યોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ગીતાબેન ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું હતું કે અમારા સપનાનું ઘર મળતા ખૂબ જ ખુશી અનુભવું છું અને સરકાર તરફથી મફતમાં ૧૦૦ ચોરસ વારનો પ્લોટ મળ્યો હતો. ૪ બાળકોને ભણાવ્યા હતા. તેમાથી એક દિકરી ડેન્ટલ કોર્ષનો અભ્યાસ કરી રહી છે જ્યારે દિકરો પ્રાઈવેટ શાળામાં નોકરી કરી રહ્યો છે. પાકુ મકાન મળવાથી બાળકોના સગપણની વાતો આવતી થઈ છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૨ માં સરકારે ગીતાબેન છગનભાઈ ચૌહાણને ૧૦૦ ચોરસ વાર નો પ્લોટ ફાળવ્યો હતો તેનું બાંધકામ એપ્રિલ ૨૦૨૩માં શરૂ કરી ઓગસ્ટ ૨૦૨૩માં પૂર્ણ કરેલ હતું જે અંતર્ગત તેમને રૂ.૧,૨૦,૦૦૦ની આવાસ સહાય, રૂ.૨૧,૫૧૦ મનરેગા યોજના સહાય, રૂ.૧૨,૦૦૦ શૌચાલય બાંધકામ સહાય અને રૂ.૨૦,૦૦૦ પ્રોત્સાહક સહાય સહાય મળી હતી.
ગીતાબેન છગનભાઈ ચૌહાણ વધુમાં જણાવ્યું હતું કે કોરોનામાં છગનભાઈનું અવસાન થયું હતું. બાળકોના ઉછેર તથા ભણાવવાની જવાબદારી તેમના શિરે હતી. ઇમિટેશનની મજૂરી કરી બાળકોને મોટા કર્યા. ૨૫ વર્ષથી એકના એક જૂના જ મકાનમાં રહ્યા હતા. આ ઘરમાં ચોમાસામાં પાણી પડી રહ્યું હોય ઘણી મુશ્કેલી રહેતી હતી. આવા સમયે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય સરકારી યોજનાના લાભો મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો