ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ રોગચાળો ન ઉદભવે તે માટે પૂર્વ આયોજન કરવા કલેક્ટરની તાકીદ
Morbi chakravatnews
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગ નિયમન માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
મોરબી: જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં સંચારી રોગ નિયમન માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરીનેશનેશનની કામગીરી યોગ્ય રીતે થાય, કોઈ રોગચાળો ઉદભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટરએ બેઠકમાં સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
કલેકટરએ મોરબી જિલ્લામાં મેલેરીયા સિઝનલ ફ્લૂ, પાણીજન્ય બીમારીઓ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ વગેરે રોગચાળાની સ્થિતિનો તાગ મેળવી જિલ્લામાં રોગચાળા સર્વેલન્સ અને રોગચાળા અટકાયતી પગલા, ક્લોરીનેશન, પાઇપલાઇન લીકેજની નોંધણી, શોધખોળ અને રીપેરીંગ બાબત તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાવડર, જંતુનાશક દવાઓ વગેરેના સ્ટોક વગેરે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. કોઈ રોગચાળો ઉદ્ભવે તે પહેલા જ હોમ ટુ હોમ સર્વે, દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવા પણ જિલ્લા કલેક્ટરએ સબંધિતોને સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ ગામડાઓમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ગામ લોકોની મુલાકાત લઇ વિવિધ રોગચાળા અંગે જાગૃત કરવા જણાવ્યું હતું. ઉપરાંત ક્યાંય પાણી ભરાયેલું ન રહે અને સ્વચ્છતા જળવાય તે બાબત પર ભાર આપ્યો હતો.