Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર મોક ટેસ્ટ યોજાશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group “D” (Level-1) नी એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ ૩૨,૪૩૮ જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, જેમાં વેસ્ટર્ન ઝોન અમદાવાદ માટે ૪,૬૭૨ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓના સાથ સહકારથી આગામી તા.૧૮.૦૪.૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્રો પર વિનામૂલ્યે મોક ટેસ્ટ લેશે.

જેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ઉમેદવારો માટે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કૉલેજ, નજર બાગ, ભડિયાદ રોડ, મોરબી ખાતે, વાંકનેર તાલુકાના ઉમેદવારો માટે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, તાલુકા પંચાયત રોડ, વાંકાનેર ખાતે તથા હળવદ તાલુકાના ઉમેદવારો માટે સાંદીપની ઈંગ્લીશ સ્કુલ, મોરબી-માળીયા ચોકડી પાસે, હળવદ ખાતે યોજવામાં આવશે.

આ મોક ટેસ્ટમાં જે ઉમેદવારોએ જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેવા ઉમેદવારો પરીક્ષા આપી શકશે અને જે ઉમેદવારો ઓનલાઇન રજીસ્ટ્રેશન નથી કરી શકેલ તેવા ઉમેદવારો રેલ્વે બોર્ડની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરેલ હોય તો તે ઓનલાઇન અરજીફોર્મની પ્રિન્ટ રજૂ કર્યેથી મોક ટેસ્ટ આપી શકશે. મોક ટેસ્ટ ઓ.એમ.આર. પ્રધ્ધતીથી અને રેલ્વે ભરતી બોર્ડના પરીક્ષાના સિલેબસ મુજબ લેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ઉપર સવારે ૧૦,૦૦ કલાકે સ્વખર્ચે પહોંચવાનું રહેશે.

Exit mobile version