Site icon ચક્રવાતNews

મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટરએ બેઠક યોજી

બહુમાળી કોમર્શિયલ,કોચિંગ ક્લાસ, જીમ, હોસ્પિટલ શાળા,પ્લે હાઉસ સિનેમા વગેરેમાં ફાયર એનઓસી બીયુ પરમિશન વગેરે નીતિ નિયમોના પાલન અંગે સુચના અપાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં નીતિ નિયમોનું પાલન કર્યા વિના ચાલતા ગેમ ઝોન બંધ કરવા તેમજ અન્ય શાળા/કોલેજ, કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ સહિતના ફાયર એનઓસી કે બીયુ પરમિશન વિનાના બિલ્ડીંગ પર નિયંત્રણ લાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાના પગલે મોરબી જિલ્લા કલેક્ટરએ ત્વરિત જ તે જ દિવસે જિલ્લામાં આવેલા ગેમઝોન તાત્કાલિક બંધ કરવા અમલવારી કરાવી હતી ત્યારે આ ગેમ ઝોન તેમજ અન્ય બિલ્ડીંગમાં તમામ નિયમોનું પાલન થાય તેવા હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ મોલ, માર્કેટ, બહુમાળી કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ, કોચિંગ ક્લાસ, જીમ, હોસ્પિટલ, શાળા/કોલેજ, પ્લે હાઉસ, સિનેમા વગેરેમાં ફાયર એનઓસી, ફાયર પ્રોવિઝન તેમજ બીયુ પરમિશન અને એપ્રુવ પ્લાન વગેરે નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને જ્યાં આ નિયમોનું પાલન થયું ન હોય તેવા તમામ જગ્યાએ નોટિસ આપી નોટિસ પિરિયડની અંદર જ યોગ્ય કાર્યવાહી થાય તે માટે સૂચના આપી હતી.

વધુમાં તેમણે જિલ્લામાં કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે આગોતરું આયોજન કરવા સૂચના આપતા જણાવ્યું હતું કે, કોઈપણ કોમર્શિયલ બિલ્ડીંગ કે અન્ય કોઈપણ જગ્યાએ બધા પ્રકારની મંજૂરીઓ હોય ત્યાં જ વીજ જોડાણ અને પાણીનું જોડાણ આપવામાં આવે તો આ પ્રશ્નનું સરળતાથી નિવારણ મળી શકે. ઉપરાંત તેમણે તાલુકાઓમાં પણ આ કામગીરી માટે સમિતિઓની રચના કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં ફાયર સેફટીના નોમ્સ શું છે તે અંગે ઉદ્યોગના માલિકો તેમજ સંલગ્ન તમામ લોકો જાણકાર બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. રહેણાંક બિલ્ડીંગ કે જ્યાં ફાયર એનઓસી, બીયુ પરમિશન સહિત નિયમોનું પાલન નથી થયેલું ત્યાં નોટિસ આપવામાં આવે તેમજ જે બિલ્ડીંગ અંડર કન્ટ્રક્શન છે તેની કામગીરી અત્યારથી જ અટકાવી દેવામાં આવે તેવી સૂચના આપી હતી. ઉપરાંત ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે લોકોને સમજાવવા તેમજ સરકારી કચેરીઓ સહિતની જગ્યાઓ પર ફાયર યુઝ માટે જવાબદાર વ્યક્તિ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ, પીજીવીસીએલ તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version