મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બિનવારસી લાશની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ
Morbi chakravatnews
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થયેલી નોંધ મુજબ કોઈ અજાણ્યો પુરુષ કે જેની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની આસપાસ છે. તેઓ ગત તારીખ ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મોરબી તાલુકામાં નીચી માંડલ ગામની સીમમાં નોકેન સિરામિકના કારખાનાની પાછળ નર્મદા કેનાલના રોડ પર બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેથી આ વ્યક્તિને સૌપ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન ગત તારીખ ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે મૃત્યુ નીપજ્યું હતું.
ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ હાલમાં આ લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામેલ હતભાગીની કોઈ ઓળખ મળી નથી અને તેમના સગા સંબંધીની કોઈ ઓળખ મળી નથી. તેથી આ લાશની ઓળખ કરવા અને તેમના વાલી વારસાની ભાળ મેળવવા અને સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.