Site icon ચક્રવાતNews

મોરબીમાં ભૂલા પડેલા બાળકનું તેના પરિવાર સાથે જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા પુનઃ મિલન કરાવાયું

ગત તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ ચાઈલ્ડ હેલ્પ લાઈન- ૧૦૯૮ મારફતે સાંજના ૦૫:૫૦ આસપાસ મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરીને ફોન આવેલો હતો. જે અનુસાર એક બાળક કે જેની ઉંમર આશરે ૧૨ વર્ષની આસપાસ છે. તે સરા ચોકડી, હળવદથી બિનવારસી હાલતમાં મળી આવેલ છે. તેવી માહિતી મળતા એક ક્ષણ પણ વેડફયા વિના જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ હળવદ મુકામે પહોંચી હતી.

 ત્યાં એક સામાજિક કાર્યકર અને કોલરનો સંપર્ક કર્યા બાદ આ બાળક સુનિલનો કબજો મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યારે રાત્રે જ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખોખરા હનુમાનમાં ચાઈલ્ડ વેલફેર કમિટીની મંજુરીથી તેને આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બાળકનું ધણું શાંતિથી અને ઊંડાણપૂર્વક કાઉન્સેલર ખ્યાતિબેન પટેલ મારફત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી થોડી માહિતી મળી હતી.

જેના આધારે આ બાળક ખેડાનો વતની હોય તેવું જાણવા મળ્યું હતું. આ માહિતી સાથે ખેડા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંની ટીમ મારફતે આ બાળકના વાલીને શોધી કાઢવામાં આવ્યા હતા. બંને જિલ્લાની બાળ સુરક્ષા ટીમો દ્વારા વાલીની તથા બાળકની અરસ- પરસ ખરાઈ કરવામાં આવી હતી. આ ખરાઈ પૂર્ણ થતા ચાઈલ્ડ વેલફેર કમિટીના આદેશથી ગુમશુદા બાળકને તેના વાલીને પુનઃ સોંપણી કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશિયાએ જણાવ્યું હતું કે આ બાળકના આશ્રયથી લઈને તેના પુનઃ સ્થાપન સુધી અત્રેની બાળ સુરક્ષા કચેરીના બિન સંસ્થાકીય સુરક્ષા અધિકારી રવિન્દ્રભાઈ, સંસ્થાકીય સુરક્ષા અધિકારી દિલીપભાઈ, કાઉન્સેલર ખ્યાતિબેન પટેલ, બાળ સંભાળ ગૃહના અધિક્ષક નિરાલીબેન તેમજ સમગ્ર ચાઈલ્ડ વેલફેર કમિટીની ઉમદા અને સક્રિય કામગીરી રહી હતી.

Exit mobile version