એસ.ઓ.જી. ની ટીમ દ્વારા વાંકાનેર નજીક ૧૦ કિલો ગાંજા સાથે બે ને પકડી પાડવામાં આવ્યા.
Morbi chakravatnews
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં વેચાણ અર્થે રાખેલ ૧૦ કિલો ગાંજા સાથે બે ઇસમોને એસ.ઓ.જી. દ્વારા પકડી પડવામાં આવ્યા છે.
એસઓજી ટીમે વાંકાનેર લક્ષ્મીપરામાં દરોડો પાડી 10 કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને એક પુરુષને ઝડપી લઈ ગાંજો સપ્લાય કરનાર છ શખ્સોના નામ ખોલાવી ગાંજા વેચાણનું નેટવર્ક ખુલ્લું પાડી કુલ 1,18,200નો મુદામાલ કબ્જે કરી એનડીપીએસ એકટ મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. ની ટીમને ચોક્કસ બાતમી મળી હોઈ અને વાંકાનેરના લક્ષ્મીપરામાં ગાંજાનું વેચાણ થતું હોવાની સચોટ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતા જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા, ઉ.60 અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા, ઉ.31 અને અલીમામદભાઇ હનીફભાઇ માડકીયાના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી રૂપિયા એક લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન જુબીબેન હનીફભાઇ માડકીયા અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા હાજર મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા. ત્યારે આ કામમાં જોડાયેલ અન્ય આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી એક લાખની કિંમતનો દસ કિલો ગાંજો, રોકડા રૂપીયા 15,500/- ઇલેકટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા 200/- અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500/- સહિત કુલ રૂપિયા 1,18,200/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.