Site icon ચક્રવાતNews

મોરબીમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરી મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

મહિલાઓના વિકાસ, બાલીકા પંચાયત, સામાજીક અન્વેષણ અને સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન અપાયુ

ગત ૫ ઓગસ્ટના રોજ ‘નારી વંદન સપ્તાહ ઉત્સવ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, એન.એસ. ગઢવી દ્વારા ઉપસ્થિત મહિલાઓ હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે તેવો સંદેશો આપ્યો હતો. “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે” ની કહેવત ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી મહિલાઓનો વિકાસ થશે નહી ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે જેથી મહિલાઓને તમામ ક્ષેત્રના પોતાનું પુરતું યોગદાન આપવું જરૂરી છે.

મદદનીશ તિજોરી અધિકારી વાર્ગીશાબેન રામાણી દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને બાલીકા સરપંચને બાલીકા પંચાયત વિશે તેમજ તેની કામગીરી બાબતે વિસ્તૃતમાં માહિતી આપી હતી. નાયબ ચીટનીશ રિધ્ધીબેન પંડયા દ્વારા પંચાયતી રાજ તથા સામાજિક અન્વેષણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડો. હેમાલીબેન ત્રિવેદી દ્વારા વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે માતાના દૂધમાં રહેલ શક્તિઓ તેમજ સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય, પ્રાકૃતિક ખેતી, ડેરી પશુપાલન જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ICDS પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version