મોરબી શહેરમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય પુસ્તક મેળાનું આયોજન
મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણી મંદિરના પટાંગણ, એટલે કે મોરબી શહેરના હૃદયસ્થળ રાણી બાગ ખાતે, મોરબી શહેરમાં પ્રથમવાર મોરબી મહાનગરપાલિકા દ્વારા આ ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મોરબી શહેરના નાગરિકોમાં વાંચનની આદત વિકસે અને જ્ઞાનનો વિસ્તાર થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તક મેળો તારીખ ૦૭/૦૨/૨૦૨૬ થી ૧૧/૦૨/૨૦૨૬ દરમ્યાન, કુલ પાંચ દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૯ સ્ટોલોનો સમાવેશ કરવામાં આવશે.
આ પુસ્તક મેળો સવારના ૧૦:૦૦ વાગ્યાથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી યોજાશે, જ્યાં નાગરિકોને પુસ્તકોના અવનવા વિશ્વમાં ફરવાની સુવર્ણ તક મળશે.
પુસ્તક મેળામાં વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકોના અનેક સ્ટોલો મૂકવામાં આવશે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો—દરેક વાચક વર્ગને અનુરૂપ પુસ્તકોનો ખજાનો અહીં જોવા મળશે. સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.
મોરબી મહાનગરપાલિકાનું આ આયોજન શહેરના નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું અને જ્ઞાનપ્રસારને વેગ આપવાનું મહત્વપૂર્ણ પગલું છે. આ ભવ્ય પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ નાગરિકોને પરિવાર સહીત ઉપસ્થિત રહી વાંચનનો આનંદ માણવા મોરબી મહાનગરપાલિકા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.