મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી- ડ્રેનેજ લાઇન બંધ કરતી મહાનગરપાલિકાની બીલ્ડીંગ શાખા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 ની કલમ–264 અન્વયે સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. નોટિસની અવગણના તથા જોખમ યથાવત રહેતા, કલમ–268 અન્વયે હુકમ બહાર પાડી જર્જરિત બાંધકામના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી બિલ્ડીંગ શાખા દ્વારા કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની આ કાર્યવાહી બાદ આગળની કડક કાર્યવાહી રૂપે સંબંધિત મિલકતોના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મોરબી મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 90 જર્જરિત મકનોના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. આશરે ૩૦ મિલકતોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે, જેથી જોખમી બાંધકામના ઉપયોગને અટકાવી જાહેર સલામતી સુનિશ્ચિત કરી શકાય.
મોરબી મનપાની આ કાર્યવાહીના પરિણામે મિલકત માલિકો દ્વારા કાયદાનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તેવી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ધરાવનાર માલિકોને તાકીદ કરવામાં આવી હતી. આજ સુધીમાં મનપા દ્વારા અંદાજિત ૮૦ જેટલી મિલકતોમાં જોખમી ભાગો ઉતારી લેવામાં આવ્યા હતા, આ પગલાંથી જાહેર માર્ગો, આસપાસના રહેવાસીઓ તથા જાહેરમાર્ગ પરથી પસાર થતા નાગરિકોની જાનમાલની સુરક્ષામાં વધારો થસે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી રહેલી જર્જરિત મિલકતો અંગે પણ નિયમસર સતત કાર્યવાહી કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની બીલ્ડીંગ શાખા દ્વારા જાહેર હિતમાં તમામ મિલકત માલિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ મહાનગરપાલિકાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.નાગરિકોની જાનમાલની સુરક્ષા મોરબી મહાનગરપાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, આ દિશામાં મોરબી મનપાની બીલ્ડીંગ શાખા દ્વારા કાયદા મુજબની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે, જેની સર્વે મોરબીના રહીશો એ નોંધ લેવી તથા મોરબીના રહેવાસીઓને કોઈપણ જોખમી જણાતી ઇમારતનો ઉપયોગ કરવાનો બંધ કરવો અથવા આપની માલિકીની ઇમારતને તાત્કાલિક વપરાશ યોગ્ય બનાવવી જો રહેવા યોગ્ય બીલ્ડીંગ ના હોય તો જરૂરી મંજૂરી લઇ તોડી પાડવા મોરબી મહાનગરપાલિકાની બીલ્ડીંગ શાખા દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.