Saturday, February 21, 2026

ગલગોટિયાનો ગજબનો ‘ગલગોટો’: ચીની કૂતરા પર ‘મેઈક ઈન ઈન્ડિયા’નું લેબલ અને દેશની આબરૂનો ફાલુદો!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સત્યનો સંગ્રામ : કિશન વેકરીયા

ભારતનું ‘સુપર પાવર’ બનવાનું સપનું કે રોબોટિક કટાક્ષ?

ભારત સરકાર જ્યારે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘એઆઈ સુપર પાવર’ જેવા ગગનચુંબી શબ્દોનો પ્રયોગ કરે છે, ત્યારે સામાન્ય નાગરિકની છાતી ગજગજ ફૂલે છે. પણ જ્યારે ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ જેવી વૈશ્વિક ઈવેન્ટમાં ગલગોટિયા યુનિવર્સિટી જેવા ‘નવતર પ્રયોગો’ સામે આવે છે, ત્યારે સમજાય છે કે આપણી છાતી ગર્વથી નહીં પણ શરમથી સંકોચાઈ રહી છે. આ સમિટમાં જે રીતે ચાઈનીઝ રોબો ડોગને ભારતની સ્વદેશી શોધ ગણાવીને પીરસવામાં આવ્યો, તે જોતા લાગે છે કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં નહીં, પણ ‘આર્ટિફિશિયલ ઈનોવેશન’માં ચોક્કસ સુપર પાવર બની ગયા છીએ. સરકારે આ કૌભાંડમાં જે રીતે મોઢું છુપાવ્યું છે તે જોતા સ્પષ્ટ થાય છે કે, ભૂલ સુધારવા કરતાં ભીનું સંકેલવાની કળામાં આપણી સિસ્ટમ વધુ નિષ્ણાત છે.
આ આખા ભવાડામાં જવાબદારીની રમત બહુ અજીબ રીતે રમાઈ રહી છે. યુનિવર્સિટીએ નેહા સિંહ નામની વિદ્યાર્થિની પર દોષનો ટોપલો ઢોળીને પલ્લું છોડાવી દીધું, તો કેન્દ્ર સરકારે યુનિવર્સિટી તરફ આંગળી ચીંધીને પોતે દૂધે ધોયેલી હોય તેવો ડોળ કર્યો છે. વાસ્તવિકતા એ છે કે આ કાર્યક્રમ ભારત સરકારના ‘ઇન્ડિયન એઆઈ મિશન’ દ્વારા આયોજિત હતો અને કેપીએમજી જેવી માંધાતા કંપનીઓ તેની નોલેજ પાર્ટનર હતી. જ્યારે દેશની સર્વોચ્ચ એજન્સીઓ આયોજક હોય, ત્યારે કોઈ પ્રોડક્ટ સ્ટોલ સુધી પહોંચે તે પહેલાં તેની ચકાસણી કરવાની તસ્દી કેમ ન લેવાઈ? શું આપણા સરકારી બાબુઓ એટલા ભોળા છે કે તેમને મેઈડ ઈન ચાઈના અને મેઈડ ઈન ઈન્ડિયા વચ્ચેનો તફાવત ખબર નથી પડતી? કે પછી ‘તાયફા’ કરવામાં એટલા મશગૂલ હતા કે ટેકનિકલ સત્ય જોવાની દાનત જ નહોતી?
વિશ્વભરમાંથી એઆઈ સેક્ટરના દિગ્ગજો જ્યારે ભારતના આંગણે પધાર્યા હોય, ત્યારે આપણે તેમને દેશની તાકાત બતાવવા માંગતા હતા. પણ આપણે બતાવ્યું શું? એ કે આપણે ત્રણ લાખમાં ચીનથી રોબોટ ખરીદી શકીએ છીએ અને તેના પર ગલગોટિયાનું સ્ટીકર મારીને તેને ‘ભારતીય સંશોધન’ તરીકે ગિનેસ બુકમાં નોંધાવવાની કોશિશ કરી શકીએ છીએ. મંત્રીશ્રીઓને સાયન્સ અને ટેકનોલોજીના ગૂંચવાયેલા કોડિંગમાં કોઈ રસ નથી, તેમને તો બસ સ્ટેજ પર ઊભા રહીને વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ લેવામાં અને ફોટા પડાવવામાં જ રસ છે. જ્યારે ઈનોવેશન પર બૌદ્ધિક ચર્ચા થવી જોઈએ, ત્યારે આપણા નેતાઓ ગિનેસ બુકના આંકડાઓમાં રાચતા હોય, તેનાથી જ ખબર પડી જાય છે કે દેશનું એઆઈ ભવિષ્ય કેટલા ‘બૌદ્ધિક’ હાથોમાં સુરક્ષિત છે.
સૌથી આઘાતજનક બાબત તો એ છે કે દેશની ઈજ્જતનો આખી દુનિયા સામે ફાલુદો કરનાર ગલગોટિયા યુનિવર્સિટી સામે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. માત્ર સ્ટોલ ખાલી કરાવી લેવાથી ગુનો માફ થઈ જતો હોય તો આ દેશમાં ઈનોવેશનની જગ્યાએ ચોરીની બોલબાલા વધી જશે. જે યુનિવર્સિટી 350 કરોડના એઆઈ ઈકો-સિસ્ટમ હોવાનો દાવો કરતી હોય, તે જો ત્રણ લાખના રોબો ડોગની નકલ પણ ન કરી શકે, તો સમજવું જોઈએ કે ત્યાં શિક્ષણના નામે માત્ર ફેક્ટરી ચાલે છે. આવા લોકોના ભરોસે જો ભારત સુપર પાવર બનવાના સપના જોતું હોય, તો એ સપના વહેલી તકે ચકનાચૂર થવાના જ છે. શું આ યુનિવર્સિટીની માન્યતા રદ કરીને તેના સંચાલકોને જેલના સળિયા પાછળ ન ધકેલવા જોઈએ?
ગલગોટિયા તો છીંડે ચડેલા ચોર છે એટલે પકડાઈ ગયા, પણ સવાલ એ થાય છે કે આ સમિટમાં બીજા કેટલા ‘સ્માર્ટ ચોર’ બેઠા હશે? જેમને વિદેશી ટેકનોલોજી પર મેઈક ઈન ઈન્ડિયાના લેબલ લગાવતા આવડી ગયું છે અને જેઓ પકડાયા નથી. આ આખી ઘટનાએ ભારતના શિક્ષણ અને એઆઈ સેક્ટરની વરવી વાસ્તવિકતા છતી કરી દીધી છે. આપણે માત્ર ‘દેખાડા’ની સંસ્કૃતિમાં એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે મૂળ સંશોધન અને મહેનત ક્યાંક ખોવાઈ ગઈ છે. જો સરકાર હજુ પણ જાગશે નહીં અને આવા લેભાગુ તત્વોને છાવરશે, તો એ દિવસ દૂર નથી જ્યારે ‘મેઈડ ઈન ઈન્ડિયા’ શબ્દ દુનિયા માટે માત્ર એક જોક બનીને રહી જશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર