વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ આખી ઘટનામાં બાળકોની 22 વર્ષીય માતા નિશાબેન હળપતિએ પણ કોઈ શંકાસ્પદ ઝેરી પ્રવાહી પી લેતા તેમને ગંભીર હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક આક્ષેપો મુજબ, માતાએ જ બાળકોને ખાવામાં કંઈક ઝેરી પદાર્થ આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પારિવારિક ઝઘડો બન્યો કરુણતાનું કારણ?
મળતી માહિતી મુજબ, બાળકોના પિતા સંજયભાઈ હળપતિ (ઉંમર આશરે 25 વર્ષ) વહાણમાં નોકરી કરે છે અને થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા. મંગળવારે (26મી મે) સાંજે કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ભારે વિવાદ અને ઉગ્ર ઝઘડો થયો હતો. સગા-સંબંધીઓના જણાવ્યા અનુસાર, આ ઝઘડાના આઘાત અને ગુસ્સામાં આવીને માતાએ રાત્રિના સમયે આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે.
મેં રાત્રે જ ભાભીને સમજાવ્યા હતા: મૃતક બાળકોના ફોઈ
બાળકોના ફોઈએ જણાવ્યું કે, “હું ગઈકાલે જ તેમના ઘરે ગઈ હતી ત્યારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. મારી ભાભી (નિશાબેન) ત્રણેય બાળકોને નવડાવીને બહાર લાવ્યા હતા. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે, ભગવાને તમને આટલા સરસ બાળકો આપ્યા છે, જ્યારે અમારા જેવા લોકો સંતાન સુખ માટે તરસતા હોય છે; માટે થોડું સમજો. આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ હતી. પરંતુ સવારે મને ફોન આવ્યો કે નિશાએ ત્રણેય બાળકોને મારી નાખ્યા છે.”
સાસુએ વહુ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
બીજી તરફ, મૃતક બાળકોના દાદી (સાસુ)એ વહુ પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, “મારી વહુ મોટેભાગે તેના પિયરમાં જ રહેતી હતી. મારા દીકરાને તેના કોઈ અન્ય વ્યક્તિ સાથેના અફેરની જાણ થઈ ગઈ હતી, જેથી તેણે વહુને સ્પષ્ટ કહી દીધું હતું કે તું બાળકોને અહીં મૂકીને તારા પિયર જતી રહે. આ જ રિસમાં આવીને વહુએ રાત્રે બાળકોને કંઈક ઝેરી વસ્તુ ખવડાવી દીધી. અમે રાત્રે 12 વાગ્યા સુધી ઓસરીમાં જ હતા, પછી બધા સુઈ ગયા. સવારે જ્યારે બાળકો વહેલા ન ઉઠ્યા ત્યારે આખી ઘટના પ્રકાશમાં આવી.”
હાલમાં ત્રણેય માસૂમ બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે અને ઝેરી પદાર્થ કયો હતો તેની તપાસ ચાલુ છે. બીજી તરફ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી માતા ભાનમાં આવ્યા બાદ જ આ લોહિયાળ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકશે. ભીલાડ પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.




