વીજલાઈન વળતર મુદ્દે ખેડૂતોનો મોટો દાવ, નિલેશ એરવડિયાએ પણ ‘સરદાર સેના’ની કરી જાહેરાત

મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન ‘સરદાર સેના’ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ મોરબીમાં વિશાળ ખેડૂત મહાપંચાયત યોજાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

મોરબીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, સરદાર સેના ગુજરાતમાં કાર્યરત અન્ય ખેડૂત સંગઠનોથી અલગ રીતે કાર્ય કરશે. દેશની સરહદે જેમ સૈનિકો દેશની સુરક્ષા કરે છે, તેવી જ રીતે સરદાર સેના ખેડૂતોના હકો અને હિતોની રક્ષા માટે કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે આ સંગઠન સરકાર, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડતી કંપનીઓ સામે લડત આપશે.

એરવાડિયાએ ચેતવણી આપતા કહ્યું કે જો સરકારી તંત્ર કાયદા અને બંધારણને અવગણીને ખેડૂતો સાથે મનમાની અથવા દાદાગીરી કરશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાનની શરૂઆત મોરબીથી થઈ રહી છે અને આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં સરદાર સેનાનું સંગઠન ઉભું કરવામાં આવશે.

પત્રકાર પરિષદ દરમિયાન નિલેશ એરવાડિયાએ પોતાના પર લગાવવામાં આવેલા 25 કરોડ રૂપિયાના સેટિંગના આક્ષેપોને પણ ફગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેમણે કોઈ પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કેટલાક નેતાઓ તેમની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ખુલ્લો સવાલ પૂછ્યો કે જો કોઈ સેટિંગ થયું હોય તો તે ક્યાં અને કોની સાથે થયું તેની સ્પષ્ટતા કરવામાં આવે.

એરવાડિયાએ વધુમાં જણાવ્યું કે તેઓ કોઈના દબાણમાં આવનાર નથી અને ખેડૂતોના હકો માટે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ ચાલુ રાખશે. તેમના જણાવ્યા મુજબ ખેડૂત સમાજની 56 જેટલી વિવિધ માંગણીઓ એકત્રિત કરવામાં આવી છે, જેમાં વીજલાઈન વળતર ઉપરાંત જમીન સંપાદન, રેન્ટ એગ્રીમેન્ટ સહિતના અનેક મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓ સ્વીકારશે તો ચર્ચા માટે તૈયાર રહેશે, પરંતુ માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

‘સરદાર સેના’ નામ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂતોના મસીહા હતા અને તેમણે દેશના 562 રજવાડાઓનું એકીકરણ કરીને રાષ્ટ્ર નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમના આદર્શોને ધ્યાનમાં રાખીને સંગઠનનું નામ ‘સરદાર સેના’ રાખવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સંગઠન કોઈ એક જ્ઞાતિ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગુજરાતના તમામ વર્ણ, જાતિ અને ધર્મના ખેડૂતોને સાથે લઈને કાર્ય કરશે.

નિલેશ એરવાડિયાની નવી જાહેરાત બાદ મોરબીના જેતપરથી શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા સંગઠન અને નવી વ્યૂહરચના સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે. પરિણામે ખેડૂતોના પ્રશ્નોને લઈને હવે લડત બે અલગ મોરચે આગળ વધે તેવા સંકેતો મળી રહ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img