અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં પૂરી દીધા હતા.
આ દરમિયાન તેમની પુત્રી ખ્યાતિએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમની જમીન પર સામેવાળા પક્ષે કબજો કર્યો હોવા છતાં પોલીસ તેમની ફરિયાદ સાંભળવાને બદલે તેમને જ લોકઅપમાં પૂરી રાખ્યા છે.
આ સમગ્ર વિવાદ નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ આવેલી એક જમીનના દસ્તાવેજો અને ભાડાના નાણાં પરત મેળવવા બાબતે સર્જાયો હતો. આ જમીન પર અશોકસિંહ ચૌહાણ અને તેમનો પરિવાર પોતાનો કબજો હોવાનો દાવો કરે છે, જે જમીન હિતેષ ભારબીડીયા, હરેશ ભારબીડીયા અને અન્ય લોકોએ ભાડે રાખી હતી.
હરેશ અને હિતેષ આ પ્લોટ પર હંગામી સ્ટોલનું માર્કેટ બનાવવા માંગતા હતા અને તે માટે તેમણે લોકો પાસેથી રૂપિયા પણ લીધા હતા. જોકે, અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરી મેળવવા માટે જરૂરી જમીનના દસ્તાવેજી પુરાવા જ્યારે તેમણે અશોક ચૌહાણ પાસે માંગ્યા અને તે ન મળ્યા, ત્યારે બંને પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન શાબ્દિક બોલાચાલી થતાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.
આ માર્કેટમાં ઈમિટેશન જ્વેલરીના સ્ટોલ માટે રૂ. ૭૫ હજારની ડિપોઝીટ આપનાર અન્ય એક પીડિત રૂપાબેન વ્યાસે સેટેલાઈટ પોલીસ મથકે અરજી કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આ ખુલ્લા પ્લોટમાં ખાણીપીણી અને કપડાનું બજાર બનાવવાનું હતું, પરંતુ ચૌહાણ નામની વ્યક્તિએ કથિત રીતે રૂ. 4 કરોડ લઈને છેલ્લા એક વર્ષથી કામ અટકાવી રાખ્યું હતું અને આ જ વિવાદમાં તેમણે ફાયરિંગ કર્યું હતું.
ઘટનાની ગંભીરતાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને FSLની મદદથી ફાયરિંગ કરાયેલા ખાલી કારતૂસ તેમજ ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યું હતું. હાલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને નિવૃત્ત અધિકારી અને તેમના પરિવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




