મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે અને આગામી દિવસો માટે રદ્દ કરી દેવામાં આવી છે.
ટ્રેનો રદ થતાં હજારો મુસાફરો અટવાયા છે. મુસાફરોની વહારે આવીને ગુજરાત એસટી વિભાગે મુંબઈ સુધીની ખાસ બસો દોડાવવાનું શરૂ કર્યું છે. વહીવટી તંત્રે મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ ચેક કરીને જ ઘરની બહાર નીકળવા વિનંતી કરી છે.
રદ કરાયેલી ટ્રેનોનું ટાઈમટેબલ
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનિલ કુમાર મીના દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ નીચેની ટ્રેનો રદ રહેશે:
07.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર 19016: પોરબંદર – દાદર (સૌરાષ્ટ્ર એક્સપ્રેસ)
- ટ્રેન નંબર 19218: વેરાવળ – બાંદ્રા ટર્મિનસ (સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ)
- ટ્રેન નંબર 19252: ઓખા – વેરાવળ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22924: જામનગર – બાંદ્રા ટર્મિનસ (હમસફર એક્સપ્રેસ)
08.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેન:
- ટ્રેન નંબર 19251: વેરાવળ – ઓખા એક્સપ્રેસ
- 09.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેન:
- ટ્રેન નંબર 22946: ઓખા – મુંબઈ સેન્ટ્રલ (સૌરાષ્ટ્ર મેલ)
ગુજરાત એસટી વિભાગ એક્શન મોડમાં
ટ્રેનો રદ થવાના કારણે અધવચ્ચે અટવાયેલા મુસાફરોની સુવિધા માટે ગુજરાત એસટી (ST) વિભાગ તાત્કાલિક વહારે આવ્યું છે. એસટી વિભાગના વલસાડ ડિવિઝન દ્વારા મુંબઈના બોરીવલી સુધીની 20 વિશેષ બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસાફરો સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી શકે.
મુસાફરો માટે રેલવે પ્રશાસનની અપીલ
મુંબઈ ડિવિઝનમાં હજુ પણ મુશળધાર વરસાદ ચાલુ હોવાથી ટ્રેનોના શિડ્યુલમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે. તેથી તમામ મુસાફરોને વિનંતી છે કે રેલવે સ્ટેશન પર આવતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે.




