38 દોષિતને ફાંસી અને 11 આરોપીને આજીવન કેદ, અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીની સજા યથાવત

અમદાવાદ: વર્ષ 2008માં સમગ્ર દેશને હચમચાવી મુકનાર અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે એક ઐતિહાસિક ચુકાદો આપતા તમામ 49 દોષિતોની સજા યથાવત રાખી છે.

હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના અગાઉના ચુકાદાને માન્ય રાખીને 38 દોષિતોની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજાને કન્ફર્મ કરી છે, તથા આરોપીઓની તમામ અપીલ ફગાવી દીધી છે. આ ઉપરાંત, કોર્ટે પીડિતો માટે વળતરની જાહેરાત કરતા મૃતકોના પરિવારજનોને ₹10 લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ₹5 લાખ અને સામાન્ય ઈજા પામેલા પીડિતોને ₹1 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, મણિનગર એલ.જી. હોસ્પિટલ સહિતના વિવિધ વિસ્તારોમાં આતંકીઓએ બસો, સાયકલો અને કારમાં આયોજનબદ્ધ રીતે શ્રેણીબદ્ધ ધડાકા કર્યા હતા.

આ ગોઝારી ઘટનામાં 56 નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ જઘન્ય અપરાધ બદલ 18 ફેબ્રુઆરી 2022ના રોજ સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટના જજ અંબાલાલ આર. પટેલે 49 આરોપીઓને દોષિત ઠેરવીને ઐતિહાસિક સજા ફટકારી હતી, જેને હવે હાઈકોર્ટે પણ બહાલી આપી છે.

ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં આ કેસ અનેક રીતે સીમાચિહ્નરૂપ બની રહ્યો છે. આ કન્ફર્મેશન કેસની સુનાવણી હાઈકોર્ટમાં રોજેરોજ (ડે-ટુ-ડે બેઝીસ પર) દોઢ વર્ષ સુધી ચાલી હતી, જે હાઈકોર્ટના ઇતિહાસની સૌપ્રથમ ઘટના છે. આ કેસના દસ્તાવેજો આશરે 8 લાખ પાનાંના હતા અને તેની અતિ-સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

49 આરોપીઓના બચાવમાં બોમ્બે અને મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિઓ સહિત 100થી વધુ વકીલોની ફોજ મેદાનમાં ઊતરી હતી. તપાસ એજન્સી દ્વારા શરૂઆતમાં 2400 જેટલા સાક્ષીઓ રજૂ કરાયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના કેસ ઝડપથી ચલાવવાના આદેશને પગલે તેમાંથી 1237 સાક્ષીઓને પડતા મુકવામાં આવ્યા હતા. એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા કન્ફર્મ થઈ હોય તેવો આ અદાલતી ઈતિહાસનો સૌથી મોટો અને અગત્યનો કેસ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img