સુરતમાં મેઘો બન્યો કાળ! બે બાળકો સહિત 4ના મોત, શહેરમાં જળબંબાકારથી લોકો ત્રાહિમામ

સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, પાલી વિસ્તારમાં મહાવીર સોસાયટી સામે આવેલા આંગમ નવકાર રેસિડેન્સી નજીક વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા C.O.P.ના ખાડા પાસે કેટલાક બાળકો રમતા હતા. આ દરમિયાન 8 વર્ષીય કૃષ્ણા અને 8 વર્ષીય શ્રેયા અકસ્માતે પાણી ભરાયેલા ખાડામાં પડી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બંને બાળકો રમતા રમતા અચાનક નજરથી ઓઝલ થઈ જતા પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ બંને બાળકો પાણી ભરાયેલા ખાડામાંથી મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. પરિવારજનોના આક્રંદ અને શોકભર્યા વાતાવરણ વચ્ચે સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો. માહિતી મળતા જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્લા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ ખાડા આસપાસ પૂરતી સલામતી વ્યવસ્થા કેમ ન હતી અને જવાબદારી કોની હતી તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી સામે આવશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ બંને બાળકોના નિધન પર ઊંડી શોક સંવેદના વ્યક્ત કરી છે અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી છે. સ્થાનિક રહેવાસીઓએ પણ શહેરમાં આવેલા ખુલ્લા ખાડાઓને તાત્કાલિક સુરક્ષિત બનાવવાની અને વરસાદી મોસમ દરમિયાન આવા જોખમી સ્થળો સામે અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.

નોંધનીય છે કે, એક દિવસ અગાઉ રાંદેર વિસ્તારમાં વરસાદ દરમિયાન લોખંડની સીડીના સંપર્કમાં આવતાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત નીપજ્યા હતા. હવે પાલી વિસ્તારમાં બે માસૂમ બાળકોના મોતની ઘટનાએ ફરી એકવાર સુરત શહેરને શોકમગ્ન બનાવી દીધું છે. વરસાદી મોસમ દરમિયાન ખુલ્લા ખાડા, પાણી ભરાયેલા વિસ્તારો અને અન્ય જોખમી સ્થળો બાળકો તેમજ સામાન્ય નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી નાગરિકોએ પણ વિશેષ સાવચેતી રાખવાની અને બાળકો પર સતત નજર રાખવાની જરૂરિયાત વધુ એક વખત ઉજાગર થઈ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img