અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે ડાંગર જેવા પાક લેતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે અને પાકની પેટર્ન બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ જશે.
આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે અને સામાન્ય વરસાદી છાંટા કે ઝાપટાં પડી શકે છે. 5 અને 6 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આશંકા છે.
આ જિલ્લામાં ભારે વરસાદ
બીજી તરફ, 2 થી 3 જુલાઈએ બંગાળની ખાડીમાં એક હળવું દબાણ સર્જાશે, જેની અસરથી પૂર્વ મધ્યપ્રદેશ થઈને ઉત્તર અને મધ્ય ગુજરાતના વડોદરા, પાટણ, સમી, હારીજ, દસાડા, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ દરમિયાન પવનની ગતિ સામાન્ય (15 થી 20 કિમી) કરતા વધીને 50 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પહોંચી શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છમાં પવનનું જોર વધુ રહેશે.
તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થવાનો હોવાથી અંબાલાલ પટેલે લોકોને ઝાડ કે વીજળીના થાંભલા નીચે ન ઊભા રહેવા ખાસ અપીલ કરી છે. રથયાત્રા (અષાઢી બીજ) અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે તે દિવસે છાંટા પડી શકે છે. ખેતીની પ્રાચીન માન્યતાઓ મુજબ, જો અષાઢી બીજની સમી સાંજે ઈશાન દિશામાં સફેદ સર્પાકાર વીજળી થાય, તો તે વર્ષના સારા ચોમાસાનો સંકેત આપે છે. આ ઉપરાંત અષાઢ સુદ પાંચમની વીજળી પરથી પણ સારો વરસાદ થવાનો વરતારો મળતો હોય છે.
સાબરમતી નદીમાં પણ નવા નીર આવવાની આશા
રાજ્ય માટે સૌથી હકારાત્મક બાબત એ છે કે 7 જુલાઈ સુધીમાં અને ત્યારબાદ 16 જુલાઈની આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. આ કારણે નર્મદા નદીમાં પાણીની મોટી આવક થશે અને સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થશે, જેથી રાજ્યમાં હાલ પ્રવર્તતું જળસંકટ હળવું થશે અને ખેડૂતો સિંચાઈનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકશે. આ શરૂઆતના વરસાદમાં સાબરમતી નદીમાં પણ નવા નીર આવવાની આશા છે. આ સાથે જ, હવામાન નિષ્ણાત દ્વારા આગામી 1 અને 2 ઓગસ્ટના રોજ પણ રાજ્યમાં ધોધમાર એટલે કે ‘અંધારિયો વરસાદ’ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




