સુરતના બિલ્ડર ફૈઝલ ફટ્ટાની હત્યા કોણે કરી? પોલીસને CCTV માં દેખાયા હત્યારા?

સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ બંને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રાંદેરના ગોરાટ રોડ પર આવેલી અલનુર રેસિડન્સીમાં રહેતા 55 વર્ષીય ફૈઝલ ફટ્ટા સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે મોપેડ પર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેને ઉભો રાખ્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફૈઝલના પેટ, છાતી અને બંને હાથ પર આશરે 19 જેટલા ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ ફૈઝલ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ ઢળી પડ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર પડ્યો

હુમલા બાદ ફૈઝલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

CCTVમાં કેદ થયા બે શખ્સ?

હત્યાની તપાસમાં પોલીસે ઘટનાસ્થળ સહિત આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ખંગાળ્યા હતા. CCTVના આધારે ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેક નામના બે શખ્સની ઓળખ થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બંનેના ઘરે તપાસ હાથ ધરી હતી, પરંતુ બંને ત્યાં મળ્યા નહોતા. પોલીસથી બચીને બંને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બંનેને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમોએ શોધખોળ શરૂ કરી છે.

19 ઘા… પણ હત્યાનું કારણ હજુ રહસ્ય!

ફૈઝલ ફટ્ટાની આટલી ઘાતકી હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ હત્યાના મોટિવને લઈને વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. વ્યક્તિગત અદાવત, જમીન-મિલકતનો વિવાદ કે અન્ય કોઈ વ્યવસાયિક કારણસર હત્યા થઈ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ CCTV ફૂટેજ, મૃતકના સંપર્કમાં રહેલા લોકો અને ફરાર બંને શખ્સોની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. હત્યાનું સાચું કારણ અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે પોલીસની વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img