રાજકોટ: આગામી 5થી 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર)ના ભવ્ય દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે. એકતરફ આ કાર્યક્રમ માટે શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ આ દરબાર યોજાય તે પહેલાં જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. રાજકોટના જાણીતા એડવોકેટ અને સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાએ આ આયોજન સામે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી મોરચો માંડ્યો છે.
અંધશ્રદ્ધાના કુંભ મેળા પર કટાક્ષ અને ઓપન ચેલેન્જ
પરસોત્તમ પીપળીયાએ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, “આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે.”
એટલું જ નહીં, તેમણે કોઈ પણ ભૂવા, ચમત્કારિક બાબા કે અઘોરીને ઓપન ચેલેન્જ આપતા જણાવ્યું છે કે, “તેમને મારી પાસે લાવો અને મારા પર મેલીવિદ્યા અજમાવી બતાવે. આ બધું માત્ર અંધશ્રદ્ધા છે, કોઈ કોઈનું નુકસાન કરી શકતું નથી. માણસને માત્ર તેના પોતાના કર્મો જ નુકસાન પહોંચાડી શકે છે. આવા તાંત્રિક બાબાઓ માત્ર ભયનો માહોલ ઊભો કરીને ભોળા લોકોનો ગેરલાભ ઉઠાવે છે.”
ધાર્મિક કાર્યક્રમો સામે વાંધો નથી, પણ ચમત્કારો સામે વિરોધ છે
પીપળીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, બાબા બાગેશ્વર રાજકોટ આવીને ધાર્મિક પ્રવચન કે કથા કરે તેની સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ ધર્મના નામે જે કથિત ચમત્કારો અને અંધશ્રદ્ધા પીરસવામાં આવે છે, તેનો તેઓ સખત વિરોધ કરે છે.
તેમણે વિજ્ઞાન અને આધુનિકતાનો હવાલો આપતા ઉમેર્યું કે, આજે દુનિયા જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વિજ્ઞાનના યુગમાં આગળ વધી રહી છે, ત્યારે ચમત્કારોથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાના દાવા કરવા આઘાતજનક છે. આવા ભ્રામક દાવાઓ સમાજ અને નવી પેઢીને ખોટા માર્ગે ધકેલે છે, જે ભવિષ્ય માટે અત્યંત નુકસાનકારક છે.
સરકાર પાસે રોકની માગ અને વધતો વિવાદ
તેમણે સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ માગ કરી છે કે, સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતા આવા કાર્યક્રમો પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ષ 2023માં પણ રાજકોટના આ જ મેદાન પર બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો, જેમાં ભારે ભીડ ઉમટી હતી. જોકે, આ વર્ષે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ વિરોધનો વંટોળ ઊભો થતાં આ મામલો સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.




