Wednesday, May 20, 2026

ગુજરાત સરકારનો અધિકારીઓને મોટો આદેશ, પેટ્રોલ-ડીઝલ બચાવવા 11 નિયમો લાગુ કર્યા

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના ઉપયોગ અંગે પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.

જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.

પરિપત્રની મુખ્ય બાબતો

ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રવાસ પર નિયંત્રણ

  • ઓનલાઇન બેઠકોને પ્રાધાન્ય: સરકારી કામકાજ માટે રૂબરૂ પ્રવાસ ટાળીને ટેલિફોન, ઇ-મેઇલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવા આધુનિક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો.
  • જિલ્લા બહારનો પ્રવાસ: અધિકારીઓએ બિનજરૂરી રીતે જિલ્લા બહાર પ્રવાસ કરવો નહીં. જો મુસાફરી અનિવાર્ય હોય, તો સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
  • સ્ટાફમાં કાપ: જો રાજ્ય બહારનો પ્રવાસ અનિવાર્ય બને, તો ઉચ્ચ અધિકારીઓએ પોતાની સાથે અત્યંત જરૂરી હોય તે સિવાયના અન્ય જુનિયર કર્મચારીઓ કે અધિકારીઓને સાથે લઈ જવા નહીં.

વિદેશ પ્રવાસ અને તાલીમ પર રોક

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જનો વ્યય અટકાવવા વિદેશ પ્રવાસ પર નિયંત્રણ મુકાયા છે.

અનિવાર્ય સંજોગો સિવાય વિદેશમાં યોજાતી તાલીમ, સેમિનાર, કોન્ફરન્સ કે અભ્યાસ પ્રવાસોમાં ભાગ લેવાનું ટાળવા આદેશ અપાયો છે. કેન્દ્ર અથવા અન્ય રાજ્યોની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન જ જોડાવું.

ગ્રીન એનર્જી અને વાહનોનો ઉપયોગ

  • ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય: જે અધિકારીઓ પાસે સરકારી વાહનના વિકલ્પ તરીકે પેટ્રોલ/ડીઝલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) બંને ઉપલબ્ધ હોય, તેમણે EV અથવા હાઇબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવો.
  • જાહેર પરિવહનનો આગ્રહ: પર્યાવરણની જાળવણી અને ઇંધણ બચાવવા માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો.
  • PNG કનેક્શન: આગામી ૬ મહિનામાં તમામ સરકારી કચેરીઓએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી મેળવવી ફરજિયાત રહેશે.

જનજાગૃતિ અને કડક અમલવારી

વર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે થતો ભાવવધારો અટકાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાની સૂચના અપાઈ છે.

આ નિયમોનો ચુસ્ત અમલ તમામ સરકારી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, તાલુકા કચેરીઓ, જાહેર સાહસો, નિગમો, બોર્ડ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકા/નગરપાલિકા/પંચાયતો), સરકારી યુનિવર્સિટીઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓએ કરવાનો રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img