મોરબીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ત્રણ વિજપોલ ધરાશાયી થતા વીજળી ગુલ
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૨૮ થી ૨ મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદથી પડવાની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મોરબી જીલ્લામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર વધતા મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગુરવારે વરસાદી ઝાપટા સાથે તેજ પવન પણ કુકાયો હતો જેના કારણે વિવિધ વીસ્તારમાં જોખમી હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં એક રવાપર રોડ પર આવેલ v -માર્ટ નજીક કોમ્પ્લેક્ષ બહાર રાખેલ હોર્ડિંગ તેમજ એક ગાંધી ચોક વિસ્તારમાં આવેલ હોર્ડિંગ તૂટી પડ્યું હતું આ ઉપરાંત લીલાપર રોડ પર આવેલ સબ સ્ટેશન નજીક વીજ પોલ તૂટી પડવાની ઘટના પણ બની હતી. અને અલગ અલગ જગ્યાએ વિજપોલ ધરાશાયી થવાના કારણે વીજળી જતી રહી હતી. તેમજ મોરબીના નવાગામ નજીક આવેલ સોમનાથ પેપરમિલમાં પણ ભારે પવનના કારણે પતરા તૂટી પડ્યા હતા જેના કારણે કારખાનામાં નુકશાન થયું હતું.