મોરબીમાં બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન દૂર કરતું વોટર વર્કસ – ડ્રેનેજ વિભાગ
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યા હોવાની નોંધ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવી છે. જેને રેગ્યુલર કરવા મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ એન્ડ ડ્રેનેજ શાખા દ્વારા જાહેર જનતાને તાકીદ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શનના કારણે જાહેર આરોગ્ય, સ્વચ્છતા તેમજ ડ્રેનેજ વ્યવસ્થામાં ગંભીર અડચણો ઊભી થતી હોય છે.આ બાબતે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે મહાનગરપાલિકાની મંજૂરી વિના લેવાયેલ કોઈપણ ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર ગણાશે. જો કોઈ મિલકતમાં બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન જણાશે તો સંબંધિત સામે મહાનગરપાલિકા અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, મહાનગરપાલિકા નિયમ મુજબ નિર્ધારિત દંડ રકમ તથા ચાર્જ વસૂલવામાં આવશે, અને જરૂરી જણાય ત્યાં કનેક્શન તાત્કાલિક રીતે દૂર કરવામાં આવશે. જેની સર્વે બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન લેનાર જાહેર જનતાએ નોંધ લેવી.
આથી મોરબી શહેરના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે તેઓ પોતાની મિલકતમાં ડ્રેનેજ કનેક્શન મોરબી મહાનગરપાલિકાની મંજૂરી તથા નિયમો અનુસાર જ લેવાયેલા હોવાની ખાતરી કરે. જો કોઈ નાગરિકે અગાઉ બિનઅધિકૃત રીતે ડ્રેનેજ કનેક્શન લીધું હોય તો તેઓ તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ એન્ડ ડ્રેનેજ શાખામાં સંપર્ક કરી નિયમિત કરવાની કાર્યવાહી કરવાની રહેશે,
મોરબી મહાનગરપાલિકા શહેરના સ્વચ્છતા, આરોગ્ય અને સુચારુ ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કામગીરીમાં નાગરિકોના સહકારની અપેક્ષા રાખે છે. તેમ મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું.