મોરબી સિવિલ હોસ્પિટલમાં દવા બારી 24 કલાક ખુલ્લી રાખવા અને નર્સિંગનો સ્ટાફ વધારા સામાજિક કાર્યકરોની માંગ
જો રાજકોટ, અમદાવાદ માં મેડીકલ રાત્રિ ના સમયે ચાલુ હોય છે તો મોરબી માં કેમ નહી જેથી મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન દવા બારી ૨૪ કલાક ખુલ્લી રાખવા તથા નર્સિંગ સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી જીલ્લા કલેકટર, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ, સિવિલ હોસ્પિટલના ડીન તથા જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારો તથા ગામડા માંથી અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આમ કરીને રાત્રિ દરમિયાન ઇમરજન્સી વોર્ડમાં અકસ્માત, મારામારી, હાર્ટ એટેક સહિતના ગંભીર કેસો આવતાં હોય છે. હાલની પરિસ્થિતિ મુજબ રાત્રિ ડયુટીમાં માત્ર બે નર્સિંગ સ્ટાફ અને એક મેડિકલ ઓફિસર ફરજ પર હોય છે. જેના કારણે દર્દીઓની સંખ્યાને અનુરૂપ યોગ્ય રીતે કામગીરી કરવી મુશ્કેલ બને છે. રાત્રિના સમયે દવાબારી બંધ રહેતી હોવાને કારણે ઇમરજન્સી દર્દીઓને તાત્કાલિક જરૂરી દવાઓ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઘણીવાર દર્દીઓ અથવા તેમના સગાઓને બહારથી દવા લાવવી પડે છે. જે ઇમરજન્સી પરિસ્થિતિમાં જોખમી સાબિત થઇ શકે છે. જો દવાબારી ૨૪ કલાક ખુલ્લી રાખવામાં આવે અને દિવસ દરમિયાન કાર્યરત સ્ટાફમાંથી એક-બે કર્મચારી રાત્રિ પાળી માટે નિયુકત કરવામાં આવે તો દર્દીઓને તાત્કાલિક સારવાર અને દવાઓ ઉપલબ્ધ થઇ શકે. વધુમાં રાત્રિના સમયે કેટલાક અસામાજીક તત્વો દ્રારા હોસ્પિટલમાં અવ્યવસ્થા સર્જાતી હોવાના બનાવો પણ બનતા રહે છે. જેના કારણે ફરજ પરના નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની સુરક્ષા અંગે ચિંતા ઉભી થાય છે. તેથી રાત્રિ દરમ્યાન નર્સિંગ સ્ટાફમાં વધારો કરવા સાથે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા (સિકયુરિટી ગાર્ડ વગેરે) પણ સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.