હજારો વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ સુત્રોચ્ચાર કરી ખાનગીકરણ અને વીજળી (સુધારા) બિલનો વિરોધ નોંધાવ્યો
જો બિલ પસાર થશે તો ઉગ્ર લડત કરવાની ચેતવણી
ગુજરાત્ત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળના બંને પદાધિકારીએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સાતેય ઊર્જા કંપનીઓના જિલ્લા સ્તરે લાખો વીજ કર્મચારીઓએ આજે સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેઓ દ્વારા ચેતવણી આપી હતી કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન વીજળી (સુધારા) બિલ પસાર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની તીવ્ર પ્રતિક્રિયા આવશે. સંકલન સમિતિ હેઠળના બંને આશરે ૪૫૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ઉગ્ર લડત માટેનો નિર્ણય લેવાની ફરજ પડશે અને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા નિર્ણયને ટેકો આપવાની ફરજ પડશે જેનાથી જે કોઈ વિક્ષેપ ઊભો થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
તેમણે જણાવ્યું હતું કે આ હડતાળ વીજળી ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં છે, જેમાં વીજળી (સુધારા) બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 પાછી ખેંચવાની, ખાનગીકરણ પ્રક્રિયા રદ કરવાની અને વીજળી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે વીજળી ક્ષેત્રમાં નિયમિત કાર્યનું વ્યાપક આઉટસોર્સિંગ છે. મુખ્ય માંગણીઓમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ, નિયમિત પદો પર સીધી ભરતી અને આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવાનો સમાવેશ થાય છે.
ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને સંકલન સમિતિ હેઠળના બંને યુનિયન/એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરી છે કે વીજળી ક્ષેત્રનું ખાનગીકરણ (ટીબીસીબી દ્વારા વિતરણ, ઉત્પાદન અને ટ્રાન્સમિશન) ગરીબ ગ્રાહકો, નાના અને મધ્યમ કદના સાહસો અને સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ છે. તેથી, વીજળી (સુધારા) બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 તાત્કાલિક પાછી ખેંચી લેવી જરૂરી છે.
આજે મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરત , મોરબી સાથે સમગ્ર રાજ્યની તમામ જિલ્લા સ્તરે ખૂબ જ બહોળી સંખ્યામાં કર્મચારીઓ/અધિકારીઓ મોટી સંખ્યામાં ઓફિસોમાંથી બહાર આવ્યા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું અને એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવાયો છે.
આમ, સંકલન સમિતિના આ આદેશને ધ્યાને લઈ પ્રોગ્રામને સફળ બનાવવા આપેલ સાથ અને સહકાર તથા સંગઠનાત્મક શક્તિનો પરચો બતાવવા બદલ બંને સંગઠનના પદાધિકારીઓ આપ સર્વે હોદ્દેદારો/સભ્યોનો ખૂબ જ આભાર વ્યકત કરે છે અને જરૂર પડ્યે આગામી સમયમાં સાથ સહકાર આપવા માગણી પણ કરે છે.