શા માટે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું? થોડા જ સમયમાં આવી શકે છે રિપોર્ટ

કેન્દ્રીય મંત્રી નાયડુએ સ્પષ્ટ કર્યું કે, સરકારનું મુખ્ય ધ્યાન સત્ય બહાર લાવવાનું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત સિસ્ટમ ઉભી કરવી છે.

22
Ahmedabad plane crash
Ahmedabad plane crash

ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ ગોઝારી દુર્ઘટનાની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 242 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી થઈ રહી છે અને તેમાં આધુનિક AI ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે.

તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ

કેન્દ્રીય મંત્રી નાયડુએ સ્પષ્ટ કર્યું કે, સરકારનું મુખ્ય ધ્યાન સત્ય બહાર લાવવાનું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત સિસ્ટમ ઉભી કરવી છે. દુર્ઘટનામાં પ્રભાવિત પરિવારોને યોગ્ય વળતર અને સહાય મળે તે માટે પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ તપાસમાં કોઈપણ દેશ સહભાગી બની શકે છે અને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

એવિએશન ક્ષેત્રમાં ગુજરાતનું નેતૃત્વ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

એવિએશન સમિટ માં હાજર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક જ નહીં પરંતુ એવિએશન સેક્ટરમાં પણ દેશનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, હાલ ગુજરાત પાસે 19 એરપોર્ટ છે અને રાજ્યમાં એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ થઈ રહ્યો છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને એરક્રાફ્ટ લિઝીંગ ક્ષેત્રમાં પણ નવી તકો શોધવામાં આવી રહી છે. ઉપરાંત, એરક્રાફ્ટ પાર્ટ્સના ઈમ્પોર્ટ પર ટેક્સ ફ્રી સુવિધાથી ઉદ્યોગને મોટો પ્રોત્સાહન મળશે.

આગામી દાયકામાં 100 નવા એરપોર્ટ અને હેલીપોર્ટ

કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ એવિએશન ક્ષેત્રના ભવિષ્ય અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીને વૈશ્વિક એરક્રાફ્ટ લિઝીંગ હબ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે અને આગામી બે વર્ષમાં ત્યાંથી 150 એરક્રાફ્ટ લિઝીંગ થવાની સંભાવના છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી દાયકામાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપોર્ટ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ

કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ધોલેરા એરપોર્ટ અને રાજકોટના હિરાસર એરપોર્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, રાજ્યમાં એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટને પણ આગામી સમયમાં વર્લ્ડ ક્લાસ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે. આ સાથે જ, હેલિકોપ્ટર અને કાર્ગો ઈન્ડસ્ટ્રીમાં પણ મોટા રોકાણની શક્યતાઓ ઊભી થઈ રહી છે.

આ રીતે, ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટમાંથી એવા સ્પષ્ટ સંકેત મળ્યા છે કે, ભારત હવે વૈશ્વિક એવિએશન બજારમાં વધુ મજબૂત ઉપસ્થિતિ નોંધાવવા માટે તૈયાર છે, જેમાં ગુજરાત મહત્વનું કેન્દ્ર બની શકે છે.