“ખેડૂત આગેવાનોએ મને ના પાડી…” હકાભા ગઢવીને જેતપર ખેડૂત આંદોલનમાં હવે નહીં મળે એન્ટ્રી?

મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ અંગે હકાભા ગઢવીએ આક્રોશ સાથે મોટો દાવો કર્યો છે કે, તેમને જેતપર ખાતે ઉપવાસ છાવણીમાં આવવાની ના સામાન્ય ખેડૂતોએ નહીં, પરંતુ આંદોલનના આગેવાનોએ પાડી છે. અગાઉ બે વખત મુલાકાત દરમિયાન ખેડૂતોનો ભરપૂર પ્રેમ મળ્યો હોવાનો ઉલ્લેખ કરીને તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, સામાન્ય ખેડૂતોને અંધારામાં રાખીને આગેવાનો બંધ બારણે કેમ મીટિંગો કરે છે? આંદોલનની તમામ ચર્ચા ખેડૂતોની હાજરીમાં જાહેરમાં જ થવી જોઈએ.

બીજી તરફ, ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ સરકાર પર આંદોલન તોડવાનો પ્રયાસ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકારી યોજનાના વિરોધી નથી, પરંતુ વળતર કાયદા મુજબ જ મળવું જોઈએ. સરકાર જો માત્ર જંત્રીના ભાવની ટકાવારી વધારી આપશે તો પણ ખેડૂતોને મંજૂર નથી; હવે પછીની તમામ ચર્ચાઓનું રેકોર્ડિંગ અને લેખિત ખાતરી અનિવાર્ય રહેશે. હાઈટેન્શન લાઈનનો માત્ર એક વીજપોલ (ટાવર) ઊભો કરવા માટે ખેડૂતની 67*67 મીટર જેટલી મોટી જમીન રોકાઈ જાય છે. આ જમીનમાં ભવિષ્યમાં ખેતી, બાગાયત કે કોઈ બાંધકામ થઈ શકતું નથી અને ભારે ફાઉન્ડેશનને કારણે આસપાસની જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જેથી ખેડૂતો આજીવન યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

આ આંદોલનને વધુ મજબૂત કરવા માટે આજે હળવદ એપીએમસી (APMC) ના વેપારીઓએ કપાસ અને અનાજની ખરીદી એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખીને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. આ વેપારીઓ સાંજે હળવદથી એક ભવ્ય રેલી સ્વરૂપે જેતપર પહોંચીને આંદોલનકારીઓ સાથે જોડાશે. છેલ્લા ૧૪ દિવસથી મક્કમતાપૂર્વક ઉપવાસ પર બેઠેલા ખેડૂત અગ્રણી નેહુલ અમૃતિયાએ જણાવ્યું છે કે, સરકારે અત્યાર સુધી માત્ર લાઇન નાખવાની મંજૂરીના પરિપત્રો જાહેર કર્યા છે, પરંતુ ખેડૂતોને મળનારા વળતર અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. જો સરકાર વળતર તરીકે જમીનનું યોગ્ય માસિક કે વાર્ષિક ભાડું આપવાનો પરિપત્ર કરે તો ખેડૂતો તેને સ્વીકારવા તૈયાર છે, પરંતુ નજીવું ભાડું સ્વીકારાશે નહીં. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની ૬ માંગણીઓ પર સરકાર લેખિતમાં જવાબ નહીં આપે ત્યાં સુધી કોઈ ચર્ચા થશે નહીં અને શરીરમાં જીવ હશે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img