1023 વીજ પોલ થયા ધરાશાયી, ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રસ્તાઓ બંધ

ગુજરાતમાં વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયો છે. વરસાદની વ્યાપક અસરને પગલે રાજ્યભરમાં કુલ 167 જેટલા રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અમરેલી જિલ્લાના એક-એક નેશનલ હાઈવે તેમજ પંચાયત હસ્તકના 157 જેટલા ગ્રામીણ માર્ગો પાણી ભરાવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, સૌથી ખરાબ અસર વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છે જ્યાં 62 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત અમરેલીમાં 30, નવસારીમાં 26, જૂનાગઢમાં 9, ભાવનગરમાં 7 અને તાપી જિલ્લામાં 5 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી વિભાગ દ્વારા રાજ્યમાં કુલ 60 ટ્રીપો રદ કરવામાં આવી છે, જેમાં ભાવનગર ડેપોની 30, જૂનાગઢ ડેપોની 14 અને અમરેલી ડેપોની 8 ટ્રીપોનો સમાવેશ થાય છે.

માર્ગ-વ્યવહારની સાથે સાથે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યના ઊર્જા વિભાગને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના 57 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ કુદરતી આફતમાં 938 ફીડર બંધ થઈ ગયા છે અને 1023 જેટલા વીજ થાંભલા ધરાશાયી થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, સુરતના વરાછા વિસ્તારમાં અનેક જગ્યાએ કમરસુધીના પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે. પાણીના ભારે ભરાવાને કારણે સુરક્ષાના ભાગરૂપે વરાછા રેલવે ગરનાળું વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયું છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને અનેક વાહનો પાણીમાં ખોટકાતા વાહનચાલકોને પોતાના વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img