સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોએ કાર શંકાસ્પદ હાલતમાં જોઈ નજીક જઈ તપાસ કરતાં અંદરથી લોહીલુહાણ લાશ મળી આવી હતી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કેટલાક અજાણ્યા લોકો સ્વિફ્ટ કાર લઈને વડવાસાથી લીમલા રોડ તરફ આવ્યા હોવાનું અનુમાન છે. રાત્રિના સમયે ગામલોકોને જોઈ જતા હુમલાખોરો કાર સ્થળ પર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ કબજે લઈ પંચનામું કર્યું અને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ હત્યા પાછળ અંગત વેરઝેર છે કે લૂંટનો પ્રયાસ, તે મુદ્દે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. હુમલાખોરોની ઓળખ અને ઘટનાના કારણો શોધવા પોલીસ વધુ તપાસમાં લાગી છે.




