વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના પર હાથ સાફ કરી લીધો હતો. સમગ્ર મામલે ગોરવા પોલીસે યુવતી અને તેના પરિણીત પ્રેમીની ધરપકડ કરી છે.
સફાઈ દરમિયાન તિજોરીમાં પડેલા દાગીના પર નજર પડી
ગોરવા ITI ચાર રસ્તા પાસે આવેલા શિવમ ફ્લેટમાં રહેતા મીરાબેન રામઆશરે સિંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના જેઠ છોટેલાલ સિંગની પુત્રી શ્રેયાને પતિ સાથે અણબનાવ હોવાથી વર્ષ 2025માં તે કાકાના ઘરે રહેવા આવી હતી. કાકાના પરિવારે શ્રેયાને પોતાની સગી દીકરીની જેમ રાખી હતી.
16 જૂન, 2026ના રોજ મીરાબેન અને શ્રેયા ઘરની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન શ્રેયાની નજર ઘરની તિજોરીમાં રાખેલા કિંમતી દાગીના પર પડી હતી. ત્યારબાદ તક મળતાં તેણે તિજોરીમાંથી માંગ ટીકો, સોનાનો હાર, બુટ્ટી, પેન્ડન્ટ, ચેન, મંગળસૂત્ર અને ઝુમકા સહિતના દાગીના ચોરી લીધા હતા. ચોરાયેલા દાગીનામાં આશરે 101 ગ્રામ સોનું અને ચાંદીનો સમાવેશ થતો હતો, જેની કુલ કિંમત રૂ.5.15 લાખ હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલમાં થયો હતો પરિણીત યુવક સાથે પરિચય
પોલીસ તપાસમાં ચોરી પાછળના સંબંધો પણ સામે આવ્યા હતા. શ્રેયા થોડા સમય અગાઉ બીમાર સંબંધીના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગઈ હતી. ત્યાં ગેસ રિફિલિંગનું કામ કરતા દીપક લાલજીભાઈ વસાવા સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, દીપક પોતે પરિણીત હોવા છતાં શ્રેયા સાથે તેનો સંબંધ આગળ વધ્યો હતો. બંનેએ મોજશોખ અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે કાકાના ઘરમાંથી દાગીના ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે બેંકમાંથી ગીરવે મૂકેલા દાગીના કબજે કર્યા
ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ મળતાં ગોરવા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. શંકાના આધારે પોલીસે શ્રેયા છોટેલાલ સિંગ અને તેના પ્રેમી દીપક વસાવાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ ચોરીની કબૂલાત કરી હતી.
બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ચોરી કરેલા દાગીના બેંકમાં ગીરવે મૂકવામાં આવ્યા હતા. પોલીસે કાર્યવાહી કરીને બેંકમાંથી ચોરાયેલા દાગીના રિકવર કરી લીધા છે. સમગ્ર મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




