સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતા જય દલાલની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જય દલાલ ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા અને લીંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અત્યંત નજીકના ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા.
![]()
7:30 વાગ્યે ઘરેથી નીકળ્યો અને રાત્રે મોતના સમાચાર આવ્યા
મૃતકની માતાએ હૃદયદ્રાવક આપવીતી જણાવતા કહ્યું કે, “મારો દીકરો સાંજે સાડા સાત વાગ્યે બહાર જમીને આવવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો કે મિલિન્દ ચકલી, પંકજ પાટિલ અને અન્ય છોકરાઓએ જય પર તીક્ષ્ણ હથિયારોથી અસંખ્ય ઘા ઝીંકી દીધા છે અને તેને હોસ્પિટલ ખસેડાયો છે. હું હોસ્પિટલ પહોંચી ત્યારે મારા વ્હાલસોયા દીકરાએ આંખ જ ન ખોલી. મારો એકનો એક દીકરો છીનવાઈ ગયો છે, મને ન્યાય જોઈએ.”
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, બહેને માંગી ફાંસીની સજા
આ ઘાતકી હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. ભાઈ ગુમાવનાર બહેને ભારે આક્રંદ સાથે સરકારને અપીલ કરતા કહ્યું કે, “મારો ભાઈ મારા પિતાની ગરજ સારતો હતો. તેની હત્યા કરનારા નરાધમોને ફાંસીની સજા સિવાય બીજી કોઈ મંજૂરી ન હોવી જોઈએ.”
રાજકીય કનેક્શન અને પોલીસ કાર્યવાહી
મૃતક જય દલાલ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. તે લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ચકચારી હત્યાની ઘટના બાદ ઉધના પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ મિલિન્દ ચકલી, પંકજ પાટિલ અને અન્ય છોકરાઓએ ભેગા મળીને આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ઘરના એકના એક વ્હાલસોયા દીકરાને ગુમાવવાને કારણે સમગ્ર પરિવારમાં ભારે આક્રોશ અને આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે.


