
અમદાવાદ: જ્યારે પણ તમે તમારા સપનાનું ઘર ખરીદવા માટે હોમ લોન લેવા ઈચ્છો છો, ત્યારે બેન્ક સૌથી પહેલા તમારા સિબિલ સ્કોર (CIBIL Score) ની તપાસ કરે છે. હોમ લોનની મંજૂરી માટે સારો સિબિલ સ્કોર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારો સિબિલ સ્કોર નબળો છે અને તેના કારણે લોન નકારવામાં આવી છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તેને ઝડપથી કેવી રીતે સુધારી શકાય તે અંગેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.
શું છે સિબિલ સ્કોર (CIBIL Score)?
ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યૂરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL) દેશની પ્રથમ ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની છે. તેનું મુખ્ય કામ ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અને લોન ચુકવણીના રેકોર્ડ એકત્રિત કરવાનું અને તેને જાળવવાનું છે. આ રેકોર્ડના આધારે કંપની એક વ્યક્તિગત સ્કોર જનરેટ કરે છે.
-
- સ્કોરની રેન્જ: સિબિલ સ્કોર હંમેશા 300 અને 900 ની વચ્ચેનો 3-અંકનો નંબર હોય છે.
- શ્રેષ્ઠ સ્કોર: 750 કે તેથી વધુનો સ્કોર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સ્કોર હોય તો લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવું ખૂબ જ સરળ બને છે.
- નબળો સ્કોર: 650થી ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને લોન મેળવવામાં મોટી મુશ્કેલી પડે છે અને બેન્કો તેમની પાસેથી વધુ વ્યાજ દર વસૂલ કરે છે.
સિબિલ સ્કોર સુધારવાની 5 અકસીર રીતો
જો તમારો સ્કોર ઓછો છે, તો નીચેની બાબતોનું ધ્યાન રાખીને તેને ઝડપથી સુધારી શકાય છે:
-
-
- EMI સમયસર ચૂકવો: જો તમારી પાસે પહેલાથી જ કોઈ લોન ચાલતી હોય, તો તેના EMI હંમેશા સમયસર ભરો. લોનના હપ્તા ચૂકવવામાં થતો વિલંબ સિબિલ સ્કોરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
- ‘ક્રેડિટ ભૂખ’થી બચો: ટૂંકા ગાળામાં વારંવાર લોન કે ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય ન કરો. વારંવારની અરજીઓથી બેન્ક એવું ધારે છે કે તમે નાણાકીય સંકટમાં છો અને માત્ર લોન પર નિર્ભર છો. જરૂર વગર વારંવાર અરજી કરવાનું ટાળો.
- ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરો: ક્રેડિટ કાર્ડનો યોગ્ય અને સમયસર વપરાશ સ્કોર વધારવામાં મદદ કરે છે. બિલ નિયમિત ભરવાથી તમે દંડથી બચશો અને સ્કોર પણ સંતુલિત રહેશે.
- લોનનું સંતુલન (Credit Mix) જાળવો: તમારા પોર્ટફોલિયોમાં હોમ લોન કે કાર લોન જેવી ‘સુરક્ષિત લોન’ (Secure Loans) અને પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ જેવી ‘અસુરક્ષિત લોન’ (Unsecured Loans) વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ. માત્ર પર્સનલ લોન પર નિર્ભર રહેવું આદર્શ માનવામાં આવતું નથી.
- નિયમિત ક્રેડિટ રિપોર્ટ તપાસો: વર્ષમાં ઓછામાં ઓછું બે વાર તમારો ક્રેડિટ રિપોર્ટ જરૂર ચેક કરો. આનાથી તમારા નામે કોઈ ખોટી કે છેતરપિંડીવાળી લોન ચાલી રહી નથી ને, તેની ખબર પડશે અને કોઈ ભૂલ હશે તો તેને તાત્કાલિક સુધારી શકાશે.
-
![]()
આ રીતે ઓનલાઈન ચેક કરો તમારો સ્કોર
-
- તમે ગમે ત્યારે તમારો સિબિલ સ્કોર જાતે પણ મફતમાં ચકાસી શકો છો:
- સૌ પ્રથમ CIBILની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- ત્યાં ‘Get Free CIBIL Score And Reports’ વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારું નામ, ઇમેઇલ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને PAN નંબર જેવી જરૂરી વિગતો ભરો.
- સબમિટ કરતા જ તમારા સિબિલ સ્કોરની સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર આવી જશે.


