
ગાંધીનગર: ગુજરાતમાં માર્ગ અકસ્માતોના ગંભીર પ્રમાણને ઘટાડવા અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આજથી એટલે કે 1 મે 2026 થી સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી “હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઇવ” શરૂ કરવામાં આવી છે. આ અભિયાન 31 મે સુધી અવિરત ચાલશે.
બંને સવારી માટે હેલ્મેટ ફરજિયાત : મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ, હવે ટુ-વ્હીલર ચલાવનાર ચાલક અને પાછળ બેસનાર (પીલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. રાજ્ય પોલીસ વડાની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓમાં 24 કલાક સતત ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.
સરકારી તંત્રથી થઈ શરૂઆત : આ વખતે નિયમનો અમલ કરાવવા માટે સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે. ‘પહેલા પોતે, પછી પ્રજા’ ના મંત્ર સાથે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી હેલ્મેટ વગર ઓફિસમાં પ્રવેશતા પકડાશે, તો તેમની સામે સામાન્ય નાગરિકની જેમ જ સ્થળ પર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત મોડેલ હવે આખા રાજ્યમાં : તાજેતરમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત શહેરની ટ્રાફિક શિસ્તની પ્રશંસા કરવામાં આવી હતી. સુરતમાં જે રીતે હેલ્મેટના નિયમોનું સફળતાપૂર્વક પાલન કરાવવામાં આવ્યું, તે જ ‘સુરત મોડેલ’ ને હવે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
કડક દેખરેખ અને દૈનિક રિપોર્ટિંગ : રાજ્યભરના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસો અને વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીએ મોકલવાની રહેશે. પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવી અકસ્માતમાં થતા જીવલેણ મોતમાં ઘટાડો લાવવાનો છે.

