મોરબી: લાતી પ્લોટ વિસ્તારના લઘુ ઉદ્યોગકારોએ વિસ્તારની મૂળભૂત સમસ્યાઓ અંગે પાલિકા તેમજ સંલગ્ન ઉચ્ચ અધિકારીઓને અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા તરફ મીટ માંડી છે. ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય હવે આ નર્કાગાર બનેલ લાતી પ્લોટ વિસ્તારની સમસ્યા તરફ ધ્યાન આપશે કે પછી તેમણે ચુંટણી સમયે આપેલા વચનો માત્ર બોલવા માટે જ ઉચ્ચાર્યા હોવાનું સાબિત થશે ?
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પાલિકાના સુધરાઈ સભ્યોને બોલાવી મોરબીના વિસ્તારોની સમસ્યા અંગે ઉધડો લીધો હતો પણ લોકોની સમસ્યાનો ઉકેલવામા સુધરાઈ સભ્યો નિષ્ક્રિય રહેતા લોકોની સમસ્યાઓ જેસૈ થે વૈસે રહેતા જાણે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ જોવાં મળતાં લોકોએ હવે કંટાળી ધારાસભ્ય સામે મીટ માંડી છે.
મોરબીના લાતીપ્લોટના લઘુ ઉધોગકારો અને નાના વેપારીઓના ટોળાએ આજે ધારાસભ્ય અને આયોજન મંડળની બેઠકમાં રૂબરૂ તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના લાતી પ્લોટ એક નાના ઉદ્યોગકારોનું ઔધોગિક ક્ષેત્ર છે, જે હાલમાં નર્કાગાર બની ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી લાતી પ્લોટ વિસ્તારમાં ભુર્ગભ ગટર ઉભરાવાના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળે છે. જેથી રોડ-રસ્તા પર કાયમી ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે રાહદારી- વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે વેપાર ધંધામાં પણ માઠી અસર જોવા મળે છે. બીજી બાજુ ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. તથા અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ રહે છે.
તમામ રાહદારી- વાહનચાલકો -વેપારીઓ તથા નાગરિકોને આર્થિક, શારિરીક, માનસિક, નુકશાન અને ત્રાસ થાય છે. જ્યારે ઉભરાતી ભુગર્ભ ગટરોના ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે ભયજનક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. બીજી બાજુ ઉભરાતી ભુગર્ભ ગટરના પાણી, ખરાબ રોડ-રસ્તા, ગંદકીનું સામ્રાજ્ય જેવી અનેક સમસ્યાઓના કારણે લાતી પ્લોટમાં કોઈ વ્યાપારી-ગ્રાહકો આવતા અચકાય છે જેથી વેપાર ધંધામાં ખુબ જ ખરાબ અસર પડી રહી છે. ગત વિધાનસભા ચુંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રહી ચુકેલા બ્રિજેશભાઈ મેરજાએ લાતીપ્લોટનું પેકેજ જાહેર કરેલ અને ઉદ્દઘાટન કરેલ જેનું પરિણામ ઉપર જણાવેલ મુજબ છે. લાતી પ્લોટ વિસ્તાર ચોમાસામાં તો ટાપુ બની જાય છે. હાલ પણ ચોમાસા જેવી હાલત જોવા મળી રહી છે. સ્ટ્રીટ લાઇટ ન હોવાથી ચોરી-બદમાશીનો ભય કાયમી માટે રહે છે.
વર્ષોથી ઉભરાતી ભુર્ગભ ગટરનો કાયમી નિકાલ કરવામાં આવે, લાતી પ્લોટના રસ્તાઓ નવેસરથી પાણીનો નિકાલ થાય એ રીતે લેવલ કરી આપવામાં આવે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે સહિતની તમામ સમસ્યા અંગે લાતી પ્લોટ માટે યોગ્ય ટેકનિકલ કમિટીનું ગઠન કરી યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. હવે જોઈએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા આ વિસ્તારની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે.
