સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર કે જે સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ મેડીકલ-પેરામેડીકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ વગેરે ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી યુનિવર્સિટી તરીકે ગુજરાત તેમજ દેશની નામાંકિત યુનિવર્સિટીઓમા સ્થાન પ્રાપ્ત કરેલ છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે તેમનામાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓ બહાર લાવવા તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો ઉજાગર કરવાના હેતુથી યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૭થી “નૂતન ઉડાન” વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે તારીખ ૧૬ થી ૨૦ ફેબ્રુઆરીના રોજ “નૂતન ઉડાન-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના ૨૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ફેશન શો, વકતૃત્વ સ્પર્ધા, સલાડ ડેકોરેશન, ડિબેટ, એક પાત્રીય અભિનય, મીમીક્રી, ગૃપ ડાન્સ જેવી ૩૦થી વધુ સાંસ્કૃતિક પ્રતિયોગિતાઓમા ખુબજ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતિમ દિવસે તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ સ્ટેજ પર્ફોર્મન્સમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ૪૦થી વધુ ઇવેન્ટ્સમાં પોતાની આગવી કળાનું અદ્દભુત પ્રદર્શન કરી વાતાવરણમાં અનોખુ સ્પંદન અને ઊર્જાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળનાં વાઇસ ચેરમેનશ્રી ચંદુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, રજીસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી, હેલ્થ પ્રોગ્રામ ડાયરેક્ટર ડો. જે. આર. પટેલ, આઈ.ક્યુ.એ.સી. ડાયરેક્ટર ડો. ચેતન ચૌધરી અને ડેન્ટલ કોલેજના ડિન ડો. વિલાસ પટેલ ના વરદ હસ્તે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ, રિસર્ચ અને સ્પર્ધાત્મક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને યુનિવર્સિટીને પ્રતિષ્ઠા અપાવનાર તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને પદક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હોય છે, જે માટે વિદ્યાર્થીઓએ કોલેજના અભ્યાસ દરમિયાન પોતાના લક્ષ્યને નિર્ધારિત કરી જરૂરી કુશળતા મેળવવી જોઈએ. જે માટે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક જરૂરિયાતોની સાથે સ્પોર્ટ્સ, કલ્ચરલ, રિસર્ચ માટે પૂરું પાડવામાં આવતા પ્લેટફોર્મનો ઉપયોગ કરી સતત પ્રયત્નશીલ રહી સફળતાનાં નવા શિખર સર કરવા પ્રેરણા પુરી પાડી હતી. તેમજ વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરવા અને ભારત દેશના યશશ્વિ વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી એ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં પોતાનામાં રહેલા ટેલેન્ટને ઓળખી વિવિધ ક્ષેત્રે આગવી કળાને પ્રદર્શિત કરવા અને શિક્ષણમાં ટેક્નોલોગી નો ઉપયોગ કરી પોતાની કારકિર્દી ઘડવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળનાં વાઇસ ચેરમેનશ્રી ચંદુભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વિસનગર શહેર અને તાલુકાની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, યુનિવર્સિટીના હોદ્દેદારો, વિવિધ ફેકલ્ટીના પ્રિન્સિપાલ તેમજ ડીન, ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ અને ૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પાંચ દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે ઈનામ આપી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદીએ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે સર્વે યુનિવર્સિટી સ્ટાફ અને વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવ્યું હતું.






