હાઈકમાન્ડે સામે ચાલી ઇચ્છુક ઉમેવારોને બોલાવાયા
ચક્રવાત દૈનિક
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સામે મજબૂત રીતે લડી શકે એવા સક્ષમ ઉમેદવારની શોધમાં કોંગ્રેસ આજથી જ કમર કસી રહી છે અને આ માટે આજથી બે દિવસ પ્રદેશ આગેવાન જેનીબેન ઠુંમર અને માનસિંગ ડોડીયા રાજકોટ આવી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. જોકે, વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને સામે ચાલી ઇચ્છુક ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા હોવા છતાં સેન્સ આપવા માટે ગણ્યા ગાઠ્યા લોકોની હાજરી આજની આ સેન્સ પ્રક્રિયામાં જોવા મળી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મજબૂત રણનીતિ સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક દરેક ઉમેદવારને ઉમેદવારી ફોર્મ સાથે સંગઠન દ્વારા વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે. આ માટે આજે અને આવતીકાલે એમ બે દિવસ પ્રદેશના આગેવાનો જેનિબેન ઠુંમર અને માનસિંગભાઈ ડોડીયાની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઇચ્છુક તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે.
ગુરુ અને શુક્રવારના રોજ પ્રદેશના આગેવાનો દ્વારા રાજકોટના ઉમેદવારોના સૂચનો અને અભિપ્રાયો મેળવ્યા બાદ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી તે યાદી પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આજ રોજ સર્કિટ હાઉસ ખાતે સવારે 10થી 1.30 વાગ્યા સુધી વોર્ડ નં.1 થી 4 ત્યારબાદ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી વોર્ડ નં.5 થી 9ના ઇચ્છુક ઉમેદવારને સાંભળવામાં આવશે. આ પછી બીજા દિવસે સવારે 10થી બપોરે 1.30 વાગ્યા સુધી વોર્ડ નં.10થી 14 અને બપોરે 3.30થી રાત્રે 8 વાગ્યા સુધી વોર્ડ નં.15 થી 18ના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે.
આજે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી એક ફોર્મ પણ લેવામા આવ્યું હતું જેમાં ઉમેદવારની પર્સનલ માહિતી, મોબાઈલ નંબર, સરનામું, જ્ઞાતિ, અભ્યાસ, વ્યવસાય, પાર્ટી સાથે કેટલા સમયથી જોડાયેલ છે તે માહિતી ઉપરાંત રાજકીય અનુભવ, અગાઉ ચૂંટણી લડ્યા છો કે કેમ.? ક્યાં વોર્ડમાંથી ચૂંટણી લડવા માંગો છો.? મતદારોની સંખ્યા જ્ઞાતિ આધારિત સમીકરણ, ચૂંટણી લડવાનું કારણ.? જીતવાની શક્યતા કેટલી.? સામાજિક સેવા કર્યો તેમજ કાયદાકીય કેસ અથવા વાદ વિવાદ સહિત ઝીણવટભરી માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કુલ 18 વોર્ડનો સમાવેશ થાય છે જે 18 વોર્ડમાં કુલ 72 એટલે કે એક વોર્ડમાં કુલ 4-4 ઉમેદવારોની પસંદગી કરવાની રહેતી હોય છે. આજે પ્રથમ દિવસે સવારના સમયે સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની પાંખી હાજરી જોવા મળી હતી એટ ક્યાંક કોંગ્રેસના જ આંતરિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ હતી કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી સામે ચાલીને ચૂંટણી લડવા ઇચ્છતા લોકોં બોલાવવા છતાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતાની સંખ્યા નહિવત જણાઈ રહી છે આમ કોંગ્રેસ સતા પર બેસવાની વાતો કરી રહી છે પરંતુ હાલની સ્થિતિમાં તેમને યોગ્ય ઉમેદવારો પણ મળતા ન હોવાનો ગણગણાટ કોંગ્રેસના આંતરિક જુથવાદના કારણે બહાર આવ્યો છે.






