ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ, ફોર્મ રદ કરવા લલીતભાઈ કગથરાએ ચૂંટણીપંચને રજૂઆત કરી
મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તા.૧૪ નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ટંકારા વિધાનસભા બેઠક પર સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ તથા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે વિશાળ રેલી યોજી સમર્થકોની હાજરીમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બન્ને ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ હોવાનો વાંધો કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ઉઠાવ્યો છે.
લલિત કગથરાએ જણાવ્ય હતું કે ફોર્મમાં એક પણ જગ્યા ખાલી છોડવાની ના હોય કે ડેશ પણ કરવાનું નથી હોતું છતાં પણ ભાજપનાં બંને ફોર્મમાં ડેશ કરવામાં આવ્યું છે. જેથી આ ફોર્મ રદ થવા પાત્ર હોવાનો તેમણે દાવો કર્યો હતો અને આ બાબતે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે ચૂંટણી પૂર્વે જ ભાજપ કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.