ટેક્વોંડો ચેમ્પિયનશિપમાં નવજીવન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ માર્યું મેદાન
મોરબી: મોરબીની વિવિધ સ્કુલના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્ય છે. ત્યારે જયપુર ટેક્વોંડ એસોસિએશન દ્વારા 1st ભગવાન નિંબાર્ક ઓપન નેશનલ ટેક્વોંડ ચેમ્પિયનશિપ -2022 નુ આયોજન રાજસ્થાનના જયપુર ખાતે તા.૭ ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું હતુ. આ ચેમ્પિયનશિપમાં ભારતના અનેક રાજ્યોમાંથી ૨૪ જેટલી ટીમોના ૬૮૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી મોરબીની નવજીવન વિદ્યાલય તથા ન્યુ એરા પબ્લિક સ્કૂલ ( DLSS) ની ટીમે ટેક્વોંડની પુમસે અને ક્યોરુગી ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેમાં સારૂં પરફોર્મન્સ કરી ૧૩ ગોલ્ડ મેડલ,૬ સિલ્વર મેડલ અને ૭ બ્રોન્ઝ મેડલ જીતી ભારતમાં બીજા નંબરની વિજેતા ટીમ બની છે.
જ્યારે નવજીવન વિદ્યાલય તથા ન્યુ એરા પબ્લિક સ્કૂલ શાળાના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્ય તેમજ મોરબી જિલ્લાનું તેમજ શાળાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારવા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડેલીયા, હાર્દિકભાઈ પાડેલીયા, બ્રિજેશભાઈ પટેલે ટીમના કોચ વિરેન્દ્રસિંહ ગોહિલ અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર સમયમાં પણ આવી જ રીતે ઉતરોતર પ્રગતિ કરી દેશનું અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.