વર્તમાન બોડીની ટર્મ 11 માર્ચે પૂરી : હવે ચૂંટણી જાહેર થવાની ગણતરી મુકાઇ ગઇ : વિવાદો અને વિકાસ કામો વચ્ચે હરીફાઇ સાથે ટર્મ પૂરી થવામાં
ચક્રવાત દૈનિક રાજકોટ
મહાપાલિકાની સ્ટે.કમીટીની વર્તમાન બોડીની અંતિમ મીટીંગ આજે મળી હતી. આ બેઠક પૂર્વે ભાજપ પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓ અને સભ્યોની હાજરીમાં લાંબી ભાજપ સંકલનની મીટીંગ મળી હતી જેમાં સભ્યોએ એકબીજાને વિદાય આપી હતી. હવે આજથી બરાબર છ દિવસ બાદ 11 માર્ચે સાંજે ભાજપના 68 અને કોંગ્રેસના 4 મળી તમામ સભ્યો ભુતપૂર્વ બની જશે. આ સાથે આવતા અઠવાડિયે ગમે ત્યારે મહાપાલિકાની ચૂંટણી જાહેર થઇ શકે તેવી ચર્ચા પણ સભ્યોમાં થતી સંભળાઇ હતી.
છેલ્લી ચૂંટણીમાં ભાજપે કલીનસ્વીપ કર્યો હતો. 18 પૈકી 17 વોર્ડમાં ભાજપના 68 કોર્પોરેટરો ચૂંટાયા હતા અને માત્ર એક વોર્ડ નં.1પમાં કોંગ્રેસના ચાર કોર્પોરેટરોની પેનલ ચૂંટાઇ હતી. પ્રથમ અઢી વર્ષ બાદ હાલના અઢી વર્ષની ટર્મમાં ભાજપમાં ભુતકાળમાં લગભગ કયારેય જાહેરમાં ન થયા હોય તેવા વિવાદો અને વિરોધ થયા હતા. છતાં આ અઢી વર્ષમાં વિક્રમી વિકાસ કામો પણ મંજૂર થયા છે. આજે સ્ટે.કમીટીમાં પોણા પાંચસો કરોડના કામો મંજૂર થયા હતા. અગાઉ રામવન ખાતે મળેલી મીટીંગમાં પણ 600 કરોડના કામો મંજૂર થયા હતા.
આ ટર્મમાં વિવાદોએ પણ મોટા સ્વરૂપ ધારણ કર્યા હતા. એકહથ્થુ શાસન સહિતની ફરિયાદો વચ્ચે સાંસદ કક્ષાના નેતા ભ્રષ્ટાચારના આક્ષેપો જાહેરમાં કરતા આવ્યા હતા. મેયર સહિતના પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છેક સુધી દેખાયો છે. છેલ્લે છેલ્લે મેયરને સૂચિત બાંધકામના વિવાદમાં ઢસડવા થયેલા પ્રયાસના મિશ્ર પ્રત્યાઘાતો પણ પડયા છે.
આ અઢી વર્ષમાં વિવાદો વચ્ચે પણ સિનીયર સીટીઝનને ફ્રી બસ મુસાફરી, તમામ 18 વોર્ડમાં આધાર કેન્દ્રો, ચૂંટાયેલી લોકોની ગ્રાન્ટમાં વધારા, નવા જન્મ લેતા બાળકો અને પૂર્વ સૈનિકોના નામે વૃક્ષારોપણ : જુદા જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, ફાયર સ્ટેશન, આરોગ્ય કેન્દ્રના કામો થયા છે.
તો આ વર્ષે કરવેરા વધારા નામંજૂર, મર્યાદામાં વ્યાજમાફી, ફલાવર બેડ બિલ્ડીંગમાં ફી ભરવા હપ્તા, રૂા.એક હજારના પાસમાં મહિલાઓને પુરૂ વર્ષ બસ મુસાફરી, પિંક બસ, ઓનલાઇન લગ્ન નોંધણી, રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, વાવડીમાં નેશનલ લેવલના સ્વીમીંગ પુલ, પીપીપીથી નવું કોર્પો. બિલ્ડીંગ સહિતના કામો મુકવામાં આવ્યા છે. એક તરફ વિવાદો અને બીજી તરફ મોટા કામોની દોડ પણ હરીફાઇની જેમ ચાલતી આવી છે.






