“પટેલ પરિવાર” હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે
“પટેલ પરિવાર” કાર્યાલય, રાજકોટ ખાતે “પટેલ પરિવાર” વ્યવસ્થાપક મંડળ ની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં “પટેલ પરિવાર” નાં સમગ્ર માળખાનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા બે વર્ષથી પ્રકાશિત થતા “પટેલ પરિવાર” મેગેઝિનની સાથે સાથે પાટિદાર સમાજના આ વૈચારિક પ્લેટફોર્મને વધુ ધારદાર અને અસરદાર બનાવવા માટે પાંચ સભ્યોની આયોજન કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું.
“પટેલ પરિવાર”ના નિયમિત પ્રકાશન માટે અગામી સમયથી બે ફુલટાઈમ કર્મચારી રાખવાનો નિર્ણય પણ આ મિટિંગમાં લેવામાં આવ્યો હતો. સાથે સાથે “પટેલ પરિવાર” દ્વારા પટેલ સમાજની તમામ સામાજિક સંસ્થાઓના અહેવાલો તથા પાટીદાર સમાજમાં બનતી વિવિધ ઘટનાઓની સમાજના લોકોને રોજે રોજ અપડેટ મળી રહે તે માટે “પટેલ પરિવાર”ને હાર્ડ કોપીની સાથો સાથ ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી “પટેલ પરિવાર”ના ન્યુઝ અને હવાલો રોજેરોજ અપડેટ કરવામાં આવશે આ માટે પટેલ પરિવારની અધિકારીક વેબસાઈટ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
“પટેલ પરિવાર” નાં માધ્યમથી આગામી સમયમાં પાટીદાર સમાજને ઉપયોગી વિવિધ માહિતીઓ જેમાં સરકાર દ્વારા ચાલતા વિવિધ ઉપક્રમો અને કાયદાકીય માહિતીઓની જાણ સમાજના લોકોને થઈ શકે તે હેતુથી વિવિધ શહેરોમાં સેમિનારોનું આયોજન પણ કરવામાં આવશે. પાટિદાર સમાજના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ભાઈઓ બહેનોનો અવાજ ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોને સંભળાય તેમજ સમાજનાં ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકોની પણ સમાજ ક્ષેત્રમાં ભાગીદારી નોંધાય અને તેઓના હિત માં કામગીરી થાય તે માટે નાં વિવિધ આયોજનો બાબતે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.પાટીદાર સમાજમાં સાહિત્ય, વિજ્ઞાન અને સંસ્કૃતિ પ્રત્યે લગાવ ઉભો થાય તેમ જ દુનિયામાં બનતી પરિસ્થિતિઓ સાથે સામંજસ્ય કેળવી શકાય તે હેતુથી અગામી સમયમાં વિવિઘ પ્રકલ્પો હેઠળ આયોજનો હાથ ધરવામાં આવશે.
“પટેલ પરિવાર” નાં આ સમગ્ર ઉપક્રમો માં જાહેરાતનાં માધ્યમ થી આર્થિક સહયોગ મેળવવા માટે સક્ષમ મિત્રો- વડીલો નો સંપર્ક કરવા માટે પણ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. લેખકો સાથે સંકલન સાધીને લેખ સંપાદન કરવાની કામગીરી માટે પણ ડિમ્પલબેન ભૂત નાં સંયોજક પદે એક સમિતિ નું ગઠન કરવામાં આવ્યું છે. આ બાબતે વિવિધ કમિટીઓમાં જોડાઈને પટેલ પરિવારનાં આ સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિનાં મિશન માં સહભાગી થવા ઇચ્છતા સમાજનાં કોઈપણ ભાઈઓ – બહેનો ને “પટેલ પરિવાર” નાં મેનેજિંગ તંત્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયા (મો.9825020064) પર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.