ફાગણ ફોરમતો આયો, આયો રે આયો..ફાગણ ફોરમતો આયો
આબાલ-વૃદ્ધ સહુનો લોકપ્રિય તહેવાર જેનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ જેને આપણે ધુળેટી કહીયે છીએ. ફાગણ સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધીનાં આઠ દિવસ હોળાષ્ટક મનાવાય છે. આ ઉત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી ‘ફાલ્ગુનિક’ પણ કહેવાય છે.ધુળેટી એટલે પોતાનાં ગમતાનો ગુલાલ કરી એકબીજાનાં રંગે રંગાવાનો મહોત્સવ. શિશિરઋતુની ગુલાબી ઠંડી બાદ વસંતઋતુનાં સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઊજવવામાં આવે છે. અબીલ-ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશનાં મેઘઘનુષ્યને જાણે પૃથ્વી પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે.
આખા ભારત ભરમાં આ ધુળેટીનાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે મોરબીમાં પણ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમા નાના બાળકો થી લઈને વૃદ્ધો અને ખાસ કરી યુવા હૈયાઓ ધૂળેટીના રંગે રંગાયા શહેરોના મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી રહી છે.
મોરબીમાં અનેક સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનોમાં ઉજવણીના આયોજન કરાયા છે તેમજ શેરીએ ગલીએ નાના મોટા સૌ કોઇ ધુળેટીના રંગે રંગાયા હતા. ઘણી જગ્યાએ ડીજેના તાલ સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલ છે જેમાં પર પ્રાંતિય મજુરો મોટા પ્રમાણમાં રહે છે જેથી તે લોકો પણ આ તહેવાર ને મન ભરીને માણી સકે તેના માટે ધણા ઉદ્યોગપતિઓ દ્વારા પોતાની ફેક્ટરી પર યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે જેથી તે લોકો પણ આ પ્રેમનાં પ્રતિક સમા તહેવારને માણી સકે
