મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી, સરકારે નગરપાલિકાને નોટીસ ફટકારી
મોરબી : મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવા મામલે સરકારે પ્રમુખને નોટિસ ફટકારી છે. જેમાં પાલિકાને શુ કામ સુપરસિડ ન કરવી તે અંગે ૨૫મી સુધી જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને પગલે તાકીદે સાધારણસભા બોલાવાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો તેને બે મહિનાથી વધુ સમય વીતી ચુક્યો છે દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડતા હાઈકોર્ટમાં સુઓમોટો હેઠળ સુનાવણી કેસની સુનાવણી ચાલી રહી છે જેમાં અગાઉ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવામાં આવશે તેવું કોર્ટને જણાવ્યું હતું જોકે સરકારે તે જવાબ રજુ કર્યાના આટલા દિવસો વીત્યા બાદ પણ સુપરસીડ અંગે કોઈ હિલચાલ જોવા મળતી ના હતી. ત્યારે આજે અચાનક નગરપાલિકા સુપરસીડ બાબતે હલચલ જોવા મળી હતી જેમાં સરકાર પક્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટીસ આપવામાં આવી છે જે નોટીસમાં નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે તા. ૨૫મી સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સુપરસીડ કરવામાં આવશે તેવી ચર્ચાઓ પણ લાંબા સમયથી ચાલી રહી હતી.
આજે સરકારે નગરપાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા બાબતે નોટિસ ફટકારી છે. સાધારણ સભામાં આ અંગે ચર્ચા કરી બાદમાં તા.25મી સુધીમાં જવાબ રજૂ કરવાનું પણ જણાવાયું છે. જેથી હવે પાલિકા તાકીદે સાધારણ સભા બોલાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.