મોરબી નગરપાલિકામાં ખુટતા સ્ટાફની ભરતી કરવા મુખ્યમંત્રીને રજુઆત
403ના મજુર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફથી ચાલતી પાલિકા 1990માં મહેકમ મંજુર થયા બાદ નવા સ્ટાફની ભરતી જ ન થઈ મોરબી
મોરબી: સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા મોરબીની છે જેમાં હાલ સ્ટાફ પુરો ન હોવાથી કેટલાક કામો અટકી પડેલા છે જેથી મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતિબેન સુરેશભાઈ શિરોહીયા તથા પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ. પી. શિરોહીયા દ્વારા મોરબી ખાતે આવેલા શિક્ષણ મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી પૃફુલભાઇ પાનસેરીયાને રૂબરૂ મળી તેમજ મોરબી જિલ્લા કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે તથા મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબીની વિવિધ સમસ્યાઓ વર્ષોથી નથી ઉકેલાતી એમાં મોરબી પાલિકામાં સ્ટાફ ઘટની સમસ્યા મહદઅંશે જવાબદાર મનાય છે. કારણ કે 1990માં મહેકમ મંજુર થયા બાદ નવા સ્ટાફની ભરતી જ ન થઈ હોવાથી દર વર્ષે વય મર્યાદાને કારણે ઘણા કર્મચારીઓ છુટા થતા હોય સ્ટાફ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. આથી 403ના મજૂર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી પાલિકા ચાલે છે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે પાણીના શુદ્ધિકરણ માટે ટેકનીકલ સ્ટાફ અને એન્જીનીયરનો અભાવ છે.
મોરબી નગરપાલિકામાં નવા સ્ટાફની ભરતી થતી નથી અને જૂનો સ્ટાફ વયમર્યાદાને કારણે પ્રાલિકાને વખતોવખત ટાટા બાય બાય કરતો હોવાથી નગરપાલિકામાં હવે સ્ટાફની સમસ્યા ઓક્સિજન પર આવી ગઇ છે. 1990માં નગરપાલિકાનું 503 સ્ટાફનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેથી ત્રણ વખત ફેરફાર કરી 2006માં 20 ટકાનો કાપ મૂકી 403 સ્ટાફનું નવું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. નગરપાલિકાનો વિસ્તારમાંનો વ્યાપ અને વસ્તી ઘણી વધી હોવા છતાં જૂનું સેટઅપ બદલાયું નથી હાલ મોરબી પાલિકામાં વર્ગ-૩માં મંજૂર થયેલા 87માંથી આઉટડોર અને ઇન્ડોર મળીને 20, વર્ગ-4માં મંજૂર થયેલા 148માંથી 60નો સ્ટાફ તેમાંય વર્ગ-2માં એકપણ સ્ટાફ નથી. જેમાં મહત્વના કહી શકાય તેવા ડેવલપમેન્ટ એન્જીનીયર, હેલ્થ ઓફિસર, એકાઉંટન્ટની કાયમી નિમણૂક ન કરાતા એ સ્ટાફ કરાર આધારિત જ ચાલે છે, તેમાંય પાણીના શુદ્ધિકરણ, ડ્રેનેજ, અને ઇલેક્ટ્રિક માટે ટેકનીકલ સ્ટાફ બાહોશ એન્જિનિયરો પણ નથી, એટલે એલ 146 સ્ટીફથી આખી નગરપાલિકાનો વહીવટ ચાલે છે.
હાલ હયાત 146માંથી આગામી ત્રણ વર્ષમાં જુના 64 જેટલો સ્ટાફ રિટાયર્ડ થતો હોવાથી વહેલીતકે નવી ભરતી ન થાય તો મુશ્કેલી વધશે એટલે કાયમી ગેઝટેડ ઓફિસર અને ક્વોલિફાઇડ સ્ટાફનો અભાવ હોવાથી પાલિકાનો વહીવટ અને પ્રજાના કામો માત્ર ધીમી ગતિએ થાય છે. ત્યારે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતિબેન સુરેશભાઈ શિરોહીયા તથા પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ. પી. શિરોહીયા દ્વારા મોરબી ખાતે આવેલા શિક્ષણ મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી પૃફુલભાઇ પાનસેરીયાને રૂબરૂ મળી તેમજ મોરબી જિલ્લા કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે તથા મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી છે.