આવતા વર્ષથી વિશ્વભરના જ્યાં જ્યાં પાટીદારો વસે છે ત્યાં જગત જનની માં ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે
જગત જનની માં ઉમિયાની આસ્થાના કેન્દ્રબિંદુથી જોડયેલા વિશ્વભરના પાટીદારોનું વૈશ્વિક સંગઠન વિશ્વઉમિયાધામ સંકુલ જાસપુર અમદાવાદમાં માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં USA, કેનેડા, આફ્રિકા, UK અને તેમજ વિશ્વના વિવિધ ખુણામાં રહેતા NRI પાટીદાર પરિવારોનું આજે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 500થી વધુ NRI પાટીદાર પરિવારો વિશ્વઉમિયાધામ ખાતે પધાર્યા હતા. આજે NRI સ્નેહમિલન સાથે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કથાકાર જીગ્નેશ દાદા, સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્વ ઉમિયાધામના વિદેશમાં વસતાં દાતા ટ્રસ્ટીઓ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ વિશ્વઉમિયાધામ અમેરિકાના કોર્ડિનેટર વી.પી. પટેલ, કેનેડાના કોર્ડિનેટર રજનીકાંતભાઈ પટેલ એવમ્ યુ.કે., આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ટ્રસ્ટીઓ પધાર્યા હતા.તમામ NRI પરિવારોએ જગત જનની માં ઉમિયાની પુજા-અર્ચના અને મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. વિશેષ રીતે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી મંદિર પરિષરમાં ઈ-ચાર્જિગ પોઈન્ટનું પણ ઉદ્ધાટન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વઉમિયાધામ દ્વારા આવતી 21 જાન્યુઆરીથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું પણ આયોજન કરાયું છે.
દર શનિવારે સાંજે 8 વાગ્યે વિશ્વભરમાં પાટીદારો મા ઉમિયાની પ્રાર્થના કરશેઃ આર.પી. પટેલ.
વિશ્વઉમિયાધામ ખાતે NRI સ્નેહમિલન અને અભિવાદન સમારોહમાં સંબોધન કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે હવેથી દર વર્ષે વિશ્વના તમામ દેશોમાં જ્યાં પાટીદારો વશે છે ત્યાં મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે અને હવેથી દર શનિવારે સાંજે 8થી 9 વાગ્યા સુધી એકી સાથે વિશ્વભરમાં પાટીદારો જગત જનની માં ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે.
