વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ અને સામાજિક શસક્તિકરણના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે યુવા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. સમસ્ત પાટીદાર સમાજના યુવા મહાસંમેલનમાં રવિવારે રાજ્યભરના 4000થી વધારે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવા શક્તિના આધ્યાત્મિક અને સામાજિક જોડાણના ઉદ્દેશ્યથી આયોજિત મહાસંમેલનમાં સ્વામિનારાયણ ગુરૂકુળ ઝુંડાલના શાસ્ત્રી સ્વામી પુરૂષોતમ ચરણદાસજી અને વિશ્વઉમિયાધામના પ્રણેતા આર.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા મહાસંમેલન સાથે જ વિશ્વઉમિયાધામ પરિષરમાં સતત 23 દિવસથી ચાલી રહેલા રમત મહાકુંભ એટલે વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું સમાપન કરાયું હતું. સદર રમત મહાકુંભમાં ક્રિકેટની 128 ટીમ અને વોલીબોલની 200 જેટલી ટીમ અને તે ઉપરાંત અન્ય રમતોની ટીમના 5000 જેટલા રમતવીરોએ ભાગ લીધેલ છે.
વિશ્વ ઉમિયાધામ – ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા છે. જેના ઉપક્રમે અમદાવાદ મુકામે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ગતિપૂર્વક ચાલી રહેલ છે, ત્યારે યુવાવર્ગમાં પણ આધ્યાત્મિક ચેતના ઉજાગર થાય અને તેના થકી યુવા વર્ગ સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય બને તેવા ઉમદા આશયથી સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠન દ્વારા આ સમસ્ત પાટીદાર સમાજ યુવા મહાસંમેલનનું આયોજન કરાયું હતું.
આ મહાસંમેલન પાટીદાર યુવા શક્તિનું મહામિલન છેઃ આર.પી. પટેલ