રાજકોટમાં લઠ્ઠાકાંડ! દારૂ પીધા બાદ 2 લોકોના મોત, ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ

દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા છે. મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું રવિવારે મોત થયું હતું. બંને મિત્રોને દારુ પીવાની ટેવ હોવાનો પણ ખુલાસો થયો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં રવિવારે રાત્રે બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, મનસુખભાઇ ડાભી (ઉ.વ. 50) અને તેમના મિત્ર અલ્પેશભાઇ સાબરિયાને દેશી દારૂ પીવાની ટેવ હતી. રવિવારે રાત્રે નવેક વાગ્યાની આસપાસ આ બંને મિત્રો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ બંનેએ દમ તોડી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પરિજનોનો ગંભીર આરોપ અને જૂની અદાવત

આ ઘટનાને પગલે મૃતક મનસુખભાઇના પુત્ર વિનય ડાભીએ સ્થાનિક બુટલેગર પર પિતાની હત્યા કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પુત્રના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર દેશી દારૂ વેચતા ‘જીણા ભગત’ નામના બુટલેગર સાથે છેલ્લા કેટલાક સમયથી તેના પિતાને કોઈ બાબતે માથાકૂટ ચાલી રહી હતી.

આ અગાઉ તેના પિતાએ પોલીસને આ બુટલેગરનું સરનામું બતાવ્યું હતું, જેની અદાવત રાખીને જીણા ભગતે એક કાવતરાના ભાગરૂપે દેશી દારૂમાં કોઈ ઘાતક કેમિકલ અથવા ઝેરી પદાર્થ ભેળવીને બંને મિત્રોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો પરિવારે દાવો કર્યો છે.

પોલીસની તાત્કાાલિક કાર્યવાહી

પોલીસ આ મામલાને માત્ર સામાન્ય મોત તરીકે ન જોતાં ગંભીરતાથી તપાસી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને પણ આશંકા છે કે દેશી દારૂ બનાવતી વખતે તેમાં નશાનું પ્રમાણ વધારવા માટે કોઈ ઝેરી કેમિકલની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ બુટલેગર જીણા ભગતની ધરપકડ કરી લીધી છે.

હાલમાં બંને મૃતકોના મોતનું સાચું અને સચોટ કારણ જાણવા માટે તેમના ગંભીરતાપૂર્વક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ ગેરકાયદેસર દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img